એન્ટિલિયા કેસઃ મનસુખ હિરણની હત્યા માટે આરોપીને અપાઈ હતી 45 લાખની સોપારી

04 August, 2021 12:35 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આ મામલે કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન એનઆઈએએ જણાવ્યું હતું કે મનસુખ હિરણની હત્યા માટે આરોપીને 45 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

મનસુખ હિરણ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ વિસ્ફોટકથી ભરેલા સ્કોર્પિયોના માલિક મનસુખ હિરણની હત્યાના કેસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે વધારાના 30 દિવસનો સમય માંગ્યો છે, જે 25 ફેબ્રુઆરી, 2021ના રોજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાથી 300 મીટર દૂર મળી આવ્યો હતો. મંગળવારે કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન એનઆઈએએ જણાવ્યું હતું કે મનસુખ હિરણની હત્યા માટે આરોપીને 45 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. મનસુખનો મૃતદેહ 5 માર્ચે મુમ્બ્રામાં રેટીબંદર ખાડીમાંથી મળી આવ્યો હતો. તેના મોઢામાં રૂમાલ ઠુસવામાં હતો.

અગાઉ વિશેષ અદાલતે NIA ને 9 જૂનના રોજ સોગંદનામું દાખલ કરવા માટે બે મહિનાનો સમય આપ્યો હતો. એનઆઈએએ વિશેષ અદાલતને જણાવ્યું હતું કે તે તપાસવાની જરૂર છે કે આ કેસમાં કોણે ભંડોળ પૂરું પાડ્યું હતું. NIA એ કોર્ટને એમ પણ કહ્યું કે 150 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. એક ટીમ તપાસ માટે દિલ્હી પણ ગઈ છે અને કેટલાક લોકોના નિવેદન નોંધ્યા છે.

NIA ની ટીમે બે ફોન જપ્ત કર્યા છે. આ ફોન દિલ્હીની તિહાડ જેલમાં બંધ ઇન્ડિયન મુજાહિદ્દીનના કથિત વડા તહેસીન અખ્તર પાસેથી એનઆઈએ જપ્ત કર્યો છે. અખ્તરે સ્વીકાર્યું છે કે આ બંને ફોન તેના જ છે. કોર્ટમાં NIA એ કહ્યું કે આ ફોનની તપાસથી ઘણા મહત્વના ખુલાસા પણ થઈ શકે છે, તેથી તેમને થોડો વધુ સમય જોઈએ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અખ્તરે NIA ને કહ્યું છે કે તેણે ટેલિગ્રામ પર મોકલેલા બંને સંદેશા મોકલ્યા નથી. એન્ટિલિયા બહારથી વિસ્ફોટકો મળી આવ્યાના થોડા દિવસો પછી જૈશ-ઉલ-હિન્દ નામના આતંકવાદી સંગઠને ટેલિગ્રામ પર બે સંદેશ મોકલીને વિસ્ફોટકો રાખવાની જવાબદારી સ્વીકારી હતી. NIA એ ગયા અઠવાડિયે લોધી કોલોનીમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ઓફિસમાંથી આ ફોન જપ્ત કર્યા છે. મુંબઈ પોલીસ વરિષ્ઠ અધિકારી વિરુદ્ધ પુરાવાઓની તપાસ કરી રહી છે. આ પછી તેની ધરપકડ માટે પરવાનગી માંગવામાં આવશે.

mumbai mumbai news mumbai crime news mukesh ambani