મદદ લેવા જતાં પડ્યો આર્થિક માર

16 June, 2022 10:38 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

હેલ્પ કરવાના બહાને સિનિયર સિટિઝનનું એટીએમ કાર્ડ બદલી તેમની પાસેથી પિન નંબર મેળવીને એ પૈસા પર મજા કરતો આરોપી પકડાયો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

નવઘર પોલીસે એટીએમમાંથી પૈસા કઢાવવામાં મદદ કરવાના બહાને સિનિયર સિટિઝનોના કાર્ડની હેરફેર કરતા અને પિન-નંબર જાણીને લાખો રૂપિયાની ઉચાપત કરતા ગુનેગારની ધરપકડ કરી છે. આ આરોપી ખાસ કરીને સિનિયર સિટિઝનોને જ પોતાનો શિકાર બનાવતો હતો. અગાઉ તેના પર ૧૨ કેસ દાખલ હોવાનું પણ જાણવા આવ્યું હતું.

આ બનાવની માહિતી આપતાં નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મિલિંદ દેસાઈએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ભાઈંદરમાં રહેતા એક સિનિયર સિટિઝન ભાઈંદર રેલવે સ્ટેશન પાસે આવેલા ઓસવાલ શૉપિંગ સેન્ટરમાં સ્ટેટ બૅન્કના એટીએમમાં ​​પૈસા કઢાવવા ગયા હતા. તેમને એટીએમમાંથી પૈસા કઢાવવાનું ફાવતું ન હોવા છતાં તેઓ પ્રયાસ કરી રહ્યા હતા. દરમ્યાન એક અજાણી વ્યક્તિ પૈસા કઢાવવામાં મદદ કરવાના બહાને અંદર આવી હતી. તેણે ફરિયાદીના સ્ટેટ બૅન્કના એટીએમ કાર્ડ સાથે હાથસફાઈ કરીને એને પોતાના બંધ પડેલા કાર્ડ સાથે બદલી નાખ્યું હતું. તેણે બંધ પડેલું એટીએમ કાર્ડ પાછું મશીનમાં મૂક્યું હતું અને ફરિયાદીનો પિન-નંબર માગ્યો હતો. કાર્ડ એક્સચેન્જ થતાં મશીનમાંથી પૈસા નીકળ્યા નહોતા. ત્યાર બાદ અજાણી વ્યક્તિ ફરિયાદીનું એટીએમ કાર્ડ લઈને ત્યાંથી નીકળી ગઈ હતી અને તેનું કાર્ડ તેમને આપી દીધું હતું. ત્યાર બાદ આરોપીએ ફરિયાદીના એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને તેમના બૅન્કના ખાતામાંથી ૨,૦૬,૧૮૫ રૂપિયાની ઉચાપત કરી હતી. પૈસા વિધડ્રૉ થતાં મોબાઇલ પર મેસેજ આવતાં પોતાની સાથે ફ્રૉડ થયું હોવાનું સામે આવતાં નવઘર પોલીસમાં સિનિયર સિટિઝને ફરિયાદ નોંધાવી હતી.’

પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ‘આરોપી શાતિર હોવાથી તેણે એટીએમના સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં દેખાય નહીં એ રીતે પોતાનો ચહેરો રાખ્યો હતો. નવઘરના પોલીસ અધિકારી મિલિંદ દેસાઈ અને ટીમ દ્વારા ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજની તપાસ કર્યા બાદ માહિતીના આધારે મીરા રોડમાં રહેતા ૩૦ વર્ષના આરોપી દીપક ઇન્દ્રભૂષણ ઝાની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપી પાસેથી વિવિધ બૅન્કનાં ૩૭ કાર્ડ જપ્ત કર્યાં છે. આરોપીએ એટીએમથી વિધડ્રૉ કરેલા ૧,૫૫,૦૦૦ રૂપિયામાંથી એલઈડી ટીવી, સીલિંગ ફૅન, નવાં કપડાં, શૂઝ, મોબાઇલ ખરીદ્યાં હતાં. પોલીસની પૂછપરછ વખતે તેણે અન્ય ગુનાની પણ કબૂલાત કરી છે. પકડાયેલા આરોપી પર નવઘર, થાણે, નવી મુંબઈ વગેરે પોલીસ સ્ટેશનોમાં ૧૨ કેસ દાખલ છે.’ 

mumbai mumbai news Crime News mumbai crime news mulund preeti khuman-thakur