ટ્રેનમાં ભીડનો ફાયદો ઉઠાવીને ગુજરાતીનો મોબાઇલ ફોન ચોરનાર આરોપીની ધરપકડ

05 October, 2022 11:28 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

અંધેરી રેલવે-પોલીસની કાર્યવાહી બાદ આરોપી પાસેથી બે મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટર્ન રેલવેનાં સ્ટેશનો પર ભીડનો ફાયદો ઉઠાવીને પ્રવાસીઓના મોબાઇલ છીનવી લેનાર આરોપી અંતે રેલવે-પોલીસના હાથે ઝડપાયો છે. જોગેશ્વરી રેલવે-સ્ટેશન પરથી પ્રવાસીનો મોબાઇલ ફોન ચોરનાર આરોપીની અંધેરી રેલવે-પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલો ૨૩ વર્ષનો મોહમ્મદ સાબીર ઇરફાન ખાન જોગેશ્વરીમાં રહે છે. તેની પાસેથી બે મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. 

જોગેશ્વરી સ્ટેશનથી મલાડ તરફ ઘરે જવા માટે વિશાલ જેઠવા નામના પ્રવાસીએ બોરીવલી લોકલ પકડી હતી. લોકલમાં ભારે ભીડ હોવાથી આરોપી ભીડનો લાભ લઈને વિશાલનો મોબાઇલ ફોન ચતુરાઈથી ચોરી લઈને સીધી જોગેશ્વરીથી ચાલતી ટ્રેનમાંથી ટ્રૅક પર કૂદીને નાસી છૂટ્યો હતો.

આ બનાવ બાદ ફરિયાદીએ અંધેરી રેલવે-પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ માટે બે ટીમ તૈયાર કરવામાં આવી હતી. એ પછી પોલીસે સ્ટેશનના સીસીટીવી કૅમેરાનાં ફુટેજની મદદથી અને ટેક્નિકલ તપાસ કરીને આરોપીને શોધી કાઢ્યો હતો. ત્યાર બાદમાં અંધેરી રેલવે-પોલીસે જોગેશ્વરી-વેસ્ટમાંથી આરોપીની ધરપકડ કરી તેની તપાસ કરીને ચોરીના બે મોબાઇલ ફોન કબજે કર્યા હતા. હાલમાં આરોપી અંધેરી રેલવે-પોલીસની કસ્ટડીમાં છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિશાલ જેઠવાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઑફિસમાંથી છૂટીને મેં દાદરથી ટ્રેન પકડી હતી. મેં બોરીવલી લોકલ પકડી હતી, પણ પીક-અવર્સના હિસાબે ભીડ ખૂબ હતી. જોગેશ્વરી આવ્યું ત્યારે હું કામકાજને લઈને ફોન આવતાં ખિસ્સામાંથી ફોન કાઢવા ગયો ત્યારે કોઈ માણસે મારા હાથમાંથી મોબાઇલ ખેંચી લીધો, સીધો સામેની બાજુએ ચાલુ ટ્રેનમાંથી ટ્રૅક પર કૂદકો માર્યો અને સામેની દીવાલ પરથી જતો રહ્યો હતો. મારા મોબાઇલમાં મહત્ત્વના ડેટા હોવાથી મેં અંધેરી રેલવે પોલીસમાં ફરિયાદ કરી હતી. બધાએ મને કહ્યું હતું કે ટ્રેનમાંથી ચોરાયેલો મોબાઇલ ક્યારેય મળવાનો નથી, એટલે એ મોબાઇલ તું ભૂલી જજે. મેં પણ આશા છોડી દીધી હતી. જોકે અચાનક પોલીસનો ફોન આવ્યો અને મારો મોબાઇલ મળ્યો હોવાથી મને બોલાવ્યો હતો. મારો મોબાઇલ મળ્યો એનો મને વિશ્વાસ થઈ રહ્યો નથી. ઑફિસમાં બધાને કહેતાં તેમને હું મજાક કરી રહ્યો છું એવું લાગે છે. મારી ફૅમિલી અને મારા માટે તો આ એક મિરૅકલ જ છે. મારો ફોન કોર્ટમાં જમા કરાવ્યો છે અને તપાસ બાદ મને આપવામાં આવશે.’

પોલીસનું શું કહેવું છે?
અંધેરી રેલવે-પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર યોગેશ દેવરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આરોપીની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેણે ભૂતકાળમાં આવા ત્રણ મોબાઇલચોરીના ગુના કર્યા છે. આરોપીના ઘરવાળાઓને પણ તે ચોરી કરતો હોવાની જાણ છે અને તેઓ તેની આવી હરકતોથી કંટાળી ગયા છે.’

mumbai mumbai news mumbai police Crime News mumbai crime news mumbai local train preeti khuman-thakur