આ ડૉક્ટર પાસે ઘણી સંપત્તિ છે એટલે ચોરી કરી, થાય તે કરી લો

11 April, 2022 10:37 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ગુજરાતી ડૉક્ટરના ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો મેડિકલનો સામાન ચોરનારા આરોપીએ પોલીસને આપ્યો આવો જવાબ : વાલિવ પોલીસે અગિયાર મહિના બાદ તેની ધરપકડ કરી

ગુજરાતી ડૉક્ટરના ગોડાઉનમાંથી લાખો રૂપિયાના સામાનની ચોરીના આરોપસર ધરપકડ કરવામાં આવેલો સૂર્યનારાયણ મલ્લાહ.

કોરોના મહામારીમાં ગુજરાતી ડૉક્ટરના ગોડાઉનમાંથી તેમના ભૂતપૂર્વ ડ્રાઇવરે લાખો રૂપિયાનો સામાન બારોબાર વેચી નાખ્યો હોવાની ઘટના વસઈમાં બની છે. લૉકડાઉનમાં ગોડાઉન લાંબા સમયથી બંધ હોવાનો ફાયદો ઉઠાવીને આરોપીએ ગોડાઉનના કૅરટેકરને મૅડમે ગોડાઉન ખાલી કરવાનું કહ્યું છે એમ કહીને ટેમ્પોમાં મેડિકલ મશીનરી સહિતનો સામાન ભર્યો હતો અને પલાયન થઈ ગયો હતો. પોલીસે અગિયાર મહિના બાદ કાંદિવલીમાં રહેતા આરોપીને ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. ચોંકાવનારી વાત એ છે આરોપીએ લાખો રૂપિયાના સામાનની ચોરી કર્યા બાદ પોલીસને ફોન કર્યો ત્યારે કહ્યું હતું કે ડૉક્ટર પાસે ઘણી સંપત્તિ છે એટલે થોડો સામાન ચોરી કર્યો છે, તમારાથી થાય તે કરી લો.

મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના વસઈ-પૂર્વ ખાતેના વાલિવ પોલીસ સ્ટેશનની હદમાં અંધેરીમાં રહેતાં ડૉ. ખુશી ગુરુભાઈ ઠક્કરનું પઠારપાડા સસુન નવઘર વિસ્તારમાં ગોડાઉન આવેલું છે. અહીં મેડિકલની મશીનરી સહિતની વસ્તુઓ સ્ટોર કરવામાં આવે છે. ગયા વર્ષે જૂન અને સપ્ટેમ્બર મહિનામાં ફરિયાદી ડૉ. ખુશી ઠક્કરનો કાંદિવલીમાં રહેતો ડ્રાઇવર સૂર્યનારાયણ સુભાષ મલ્લાહ ડૉ. ખુશી સાથે અનેક વખત ગોડાઉનમાં ગયો હતો. આથી તેને ગોડાઉનનો કૅરટેકર ઓળખતો હતો. કોરાનાને કારણે કામકાજ બંધ હોવાથી ફરિયાદી ડૉક્ટર ગોડાઉન પર બહુ ઓછાં જતાં હોવાની માહિતી હોવાથી આરોપીએ ત્રણ વખત ગોડાઉનમાં ટેમ્પો સાથે પહોંચીને કૅરટેકરને મૅડમે સામાન લઈ જવા કહ્યું હોવાનું કહ્યું હતું. ત્રણ વખતમાં ગોડાઉન સાફ કર્યા બાદ તે ફરાર થઈ ગયો હોવાની જાણ થયા બાદ ડૉક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

કૉસ્મેટિક સર્જ્યન ડૉ. ખુશી ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉનને લીધે મારું કામકાજ લગભગ બંધ થઈ ગયું હોવાથી મેં ક્લિનિક અને બીજો સામાન રાખવા માટે સસુન નવઘરમાં એક ગોડાઉન ભાડે રાખ્યું હતું. ગોડાઉનમાં લાખો રૂપિયાની મેડિકલ મશીનરી અને ટેબલ-ખુરસી સહિતનો સામાન હોવાથી એની દેખભાળ રાખવા માટે મહાદેવ શિંદેને કૅરટેકર રાખ્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં અમે મુંબઈની બહાર હતાં ત્યારે ડ્રાઇવર સૂર્યનારાયણ મલ્લાહે ગોડાઉનમાં પહોંચીને મેં સામાન શિફ્ટ કરવાનું જણાવ્યું હોવાનું કૅરટેકરને કહ્યું હતું. કૅરટેકર તેને ઓળખતો હતો એટલે તેણે તેને ટેમ્પોમાં સામાન ભરવા દીધો હતો. ત્રણ દિવસમાં તેણે આવી રીતે આઠેક લાખ રૂપિયા રૂપિયાનો સામાન ગોડાઉનમાંથી કાઢીને સગેવગે કરી દીધો હોવાનું બાદમાં જણાયું હતું.’

મૅડમ પાસે ઘણું છે, એમાંથી થોડું લીધું છે

ડૉ. ખુશી ઠક્કરે વધુમાં કહ્યું હતું કે ‘ડ્રાઇવરે ગોડાઉનમાંથી સામાનની ચોરી કરી હોવાની જાણ થયા બાદ અમે વાલિવ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીંના એક ઇન્સ્પેક્ટરને ડ્રાઇવરનો નંબર આપીને તપાસ કરવા કહ્યું હતું. ઇન્સ્પેક્ટરે ડ્રાઇવર સૂર્યનારાયણને કૉલ કર્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે મૅડમ પાસે ઘણુંબધું છે એમાંથી થોડો સામાન ચોરી કર્યો છે, તમારાથી જે થાય તે કરી લો. આ સાંભળીને ઇન્સ્પેક્ટર પણ ચોંકી ઊઠ્યો હતો. ચોરી મે મહિનામાં થઈ હતી ત્યારે અમે બહારગામ હતા. સપ્ટેમ્બર મહિનામાં અમે પાછા આવ્યા હતા ત્યારે ખ્યાલ આવ્યા બાદ અમે વાલિવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આજે આરોપી ડ્રાઇવરની કાંદિવલીમાંથી ધરપકડ કરી હતી. આરોપીએ મારા અંધેરીના ઘરમાંથી મારી ગેરહાજરીમાં ૨૨,૦૦૦ રૂપિયાનાં શૂઝ સહિતની વસ્તુઓ પણ તફડાવી છે.’ વાલિવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કૈલાસ બર્વેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગોડાઉનમાં મેડિકલનો સામાન ચોરી કરવાના આરોપસર અમે સૂર્યનારાયણ સુભાષ મલ્લાહની તેના કાંદિવલીના ઘરેથી ધરપકડ કરી છે. આગળની કાર્યવાહી ચાલી રહી છે. આથી તેણે સામાન કોને અને કેટલામાં વેચ્યો હતો એની માહિતી મેળવાઈ રહી છે.’

mumbai mumbai news Crime News mumbai crime news prakash bambhrolia