11 December, 2024 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આરે કૉલોનીથી કોલાબા વાયા બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-૩ હાલ આરેથી BKC સુધી ચાલુ કરવામાં આવી છે. જોકે એમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી છે. ૭ ઑક્ટોબરથી ૭ નવેમ્બર અને ૭ નવેમ્બરથી ૭ ડિસેમ્બર એમ બે મહિનાની સરખામણી કરીએ તો પહેલા મહિને ઑક્ટોબરમાં ૬,૩૩,૨૦૯ પ્રવાસીઓએ એમાં પ્રવાસ કર્યો હતો, જ્યારે નવેમ્બર મહિનામાં ૫,૬૪,૩૧૩ પ્રવાસીઓએ એમાં પ્રવાસ કર્યો હતો. આમ એક જ મહિનામાં ૬૮,૮૯૬ પ્રવાસીઓ ઘટ્યા છે.
મેટ્રો ચાલુ થયા પછી બે મહિનામાં ૧૩,૪૮૦ સર્વિસ દોડી છે. એ સામે બે મહિનામાં કુલ ૧૧,૯૭,૫૨૨ પ્રવાસીઓએ જ એનો પ્રવાસ કર્યો છે જે મેટ્રોની દૃષ્ટિએ ઓછી સંખ્યા છે. મેટ્રો-૩નો રૂટ એવો બનાવ્યો છે કે જ્યાં રેલવે પહોંચતી નથી અને રોડ ટ્રાન્સપોર્ટ પર લોકોએ આધાર રાખવો પડતો હોય છે. એથી આ મેટ્રો બહુ જ સફળ રહેશે એવી ધારણા હતી, પણ એવું બન્યું નથી. રોજના સાડાચાર લાખ મુંબઈગરા એમાં પ્રવાસ કરે એવી ધારણા હતી, પણ નવેમ્બર મહિનામાં ઍવરેજ ફક્ત ૨૧,૧૦૬ અને ડિસેમ્બરમાં ૧૮,૨૦૩ પૅસેન્જરે જ દરરોજ એમાં પ્રવાસ કર્યો છે. આ બન્ને મહિનાની ઍવરેજ કાઢીએ તો રોજના ફક્ત ૧૯,૬૫૪ પ્રવાસીઓએ જ પ્રવાસ કર્યો કહેવાય.
મેટ્રો સ્ટેશન પર ઊતર્યા પછી પણ લોકોએ તેમના ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે બીજા ટ્રાન્સપોર્ટ પર આધાર રાખવો પડે છે અને બીજું, લોકો હજી પણ પરંપરાગત રોજની ઘરેડ મુજબ લોકલ રેલવે અને બેસ્ટનો ઉપયોગ કરે છે.
મેટ્રો-૩નું બાકીનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે અને હવે BKCથી વરલી (આચાર્ય અત્રે ચોક) સુધીનો બીજો તબક્કો માર્ચ ૨૦૨૫માં શરૂ થાય એવી શક્યતા છે.