પતિએ પત્નીના પ્રેમીને ઘરે બોલાવ્યો, દારુ પીવડાવ્યો, પછી.. ચાકુ મારીને કરી હત્યા

15 May, 2026 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Aarey Colony Murder: મુંબઈમાં કાળજું કંપાવી દેનાર હત્યા! પતિએ પત્નીના કથિત પ્રેમીને ઘરે બોલાવ્યો, દારૂ પીવડાવ્યો અને પત્નીની નજર સામે જ ગળું કાપીને તેમજ ચપ્પુના ઘા મારીને પતાવી દીધો; ૪૨ વર્ષીય આરોપીની મુંબઈ પોલીસે કલાકોમાં કરી ધરપકડ

આરોપી ભીમરાજ ઓમપ્રકાશ શર્મા પોલીસ કસ્ટડીમાં (તસવીર સૌજન્યઃ મિડ-ડે)

મુંબઈ (Mumbai)ના આરે પોલીસ સ્ટેશન (Aarey Police Station)ની હદમાં સ્થાનિક સમુદાયને આંચકો આપનારી એક અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. પોતાની પત્ની પર ગેરકાયદેસર સંબંધો હોવાની શંકાને આધારે, એક વ્યક્તિએ તેની પત્નીના પ્રેમીને પોતાના ઘરે બોલાવ્યો હતો, તેને દારૂ પીવડાવ્યો હતો અને ત્યારબાદ પત્નીની નજર સામે જ તેનું ગળું કાપી નાખ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ આરે પોલીસ (Aarey Polic)એ ગણતરીના ત્રણ કલાકની અંદર જ આરોપીની ધરપકડ (Aarey Colony Murder) કરી લીધી હતી.

પોલીસે આપી ઘટનાની માહિતી

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ ૪૮ વર્ષીય ભીમરાજ શર્મા તરીકે થઈ છે, જ્યારે મૃતકની ઓળખ વિકાસ ભુસારે તરીકે કરવામાં આવી છે. આ બંને વ્યક્તિઓ આરે કોલોનીના યુનિટ 5ના રહેવાસી હતા.

પત્નીના પ્રેમની ઘરે બોલાવીને દારુ પીવડાવ્યો પછી કરી હત્યા

પોલીસે જણાવ્યું કે ભીમરાજને શંકા હતી કે તેની પત્નીના વિકાસ ભુસારે સાથે ગેરકાયદેસર સંબંધો હતા. આ બાબતે તેણે અગાઉ તેની પત્નીને ઘણી વખત ચેતવણી આપી હતી અને તેની સાથે મારપીટ પણ કરી હોવાનો આક્ષેપ છે. તેમ છતાં, ભીમરાજની ગેરહાજરીમાં વિકાસે તેના ઘરે આવવાનું ચાલુ રાખતા આરોપીએ તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.

ભીમરાજે વિકાસને પોતાના ઘરે બોલાવ્યો હતો, જ્યાં મોડી રાત સુધી ભીમરાજ, તેની પત્ની અને વિકાસ એમ ત્રણેય જણાએ દારૂ પીધો હતો. ત્રણેય જણા નશામાં ધૂત થઈ ગયા બાદ, ભીમરાજે વિકાસ સામે આક્રોશ ઠાલવતા સવાલ કર્યો હતો કે તે કેમ હજી પણ તેના ઘરે આવે છે અને તેને ફરી ક્યારેય ન આવવા માટે ચેતવણી આપી હતી. આ બાબતને લઈને બંને પુરુષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને દલીલો શરૂ થઈ ગઈ હોવાની માહિતી પોલીસે આપી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, નશાની હાલતમાં રહેલા ભીમરાજે રસોડામાંથી ચપ્પુ ઉઠાવી લીધું હતું અને પત્નીની નજર સામે જ વિકાસનું ગળું કાપી નાખ્યું હતું. ત્યારબાદ તેણે વિકાસના શરીર પર ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગંભીર ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી આરેના જંગલ વિસ્તાર તરફ ભાગી ગયો હતો.

આરે પોલીસે ત્રણ કલાકમાં કરી ધરપકડ

ઘટનાની માહિતી મળતાં જ આરે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારી રવિન્દ્ર પાટીલ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે આરોપીને પકડવા માટે અલગ-અલગ ત્રણ ટીમો બનાવીને સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આખરે, અંદાજે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો.

આરોપી પોલીસ કસ્ટડીમાં

પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેની પત્ની અને વિકાસ વચ્ચે અફેર હોવાની શંકાના કારણે તેણે આ પગલું ભર્યું હતું.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરે પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને બોરીવલી કોર્ટ (Borivali Court)માં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

aarey colony murder case mumbai police mumbai crime news Crime News mumbai mumbai news