વીજળી પડતાં નવી મુંબઈનો યુવાન ભડથું

24 October, 2020 09:37 AM IST  |  Mumbai | Mumbai correspondent

વીજળી પડતાં નવી મુંબઈનો યુવાન ભડથું

વીજળી પડતાં નવી મુંબઈનો યુવાન ભડથું

આ વર્ષનું ચોમાસું પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે વરસાદ જીવલેણ બની રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ત્રણ દિવસ પહેલાં ભાઈંદરમાં એક કિશોરનું વીજળી પડવાથી મૃત્યુ થયું હતું ત્યારે ગુરુવારે સાંજે નવી મુંબઈ, મુંબઈ અને થાણેમાં થયેલા વીજળીના કડાકાભડાકા સાથે થયેલા વરસાદમાં એક ૨૧ વર્ષના આશાસ્પદ યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ગુરુવારે મોડી સાંજે મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં થોડા સમય માટે જોરદાર વરસાદ પડ્યો હતો ત્યારે ખારઘરના સેક્ટર ૧૨માં રહેતો ૨૧ વર્ષનો યુવક સાગર વિશ્વકર્મા આખા દિવસ બાદ પડી રહેલા વરસાદને લીધે થયેલી ઠંડકની મજા લેવા માટે અગાસી પર કૉફી પીવા ગયો હતો.
સાગર કૉફી પીતો હતો ત્યારે જોરદાર વરસાદ પડી રહ્યો હતો. એ સમયે વીજળી કડકવાનો જોરદાર અવાજ આવ્યો હતો અને વીજળી તેના ટેરેસ પર પડી હતી. વીજળીનો હજારો વોટનો કરંટ સાગરને લાગતાં તે ભડથું થઈ ગયો હતો. ટેરેસમાં તિરાડ પડી જવાની સાથે જોરદાર અવાજ સાંભળીને લોકો દોડી આવ્યા હતા.
વીજળી પડવાથી સાગર મૃત્યુ પામ્યો હોવાનું જોઈને આસપાસના પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી અને લોકોમાં ડરનું વાતાવરણ ઊભું થયું હોવાનું જાણવા મળ્યું હતું. સાગર ગ્રૅજ્યુએશનના છેલ્લા વર્ષમાં ભણતો હોવાનું કહેવાય છે.

mumbai mumbai news navi mumbai