વસઈના જાણીતા ડૉક્ટર અને ભૂતપૂર્વ નગરસેવકનો કોરોનાએ ભોગ લીધો

13 July, 2020 09:01 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

વસઈના જાણીતા ડૉક્ટર અને ભૂતપૂર્વ નગરસેવકનો કોરોનાએ ભોગ લીધો

પ્રતીકાત્મક તસવીર

વસઈના જાણીતા ડૉક્ટર અને બહુજન વિકાસ આઘાડીના ભૂતપૂર્વ નગરસેવક હેમંત પાટીલનું ગઈ કાલે ૫૮ વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું. કોરાના-સંક્રમણ બાદ મોત સામે ૧૦ દિવસ ઝઝૂમ્યા પછી આખરે તેમણે દમ તોડ્યો હતો. તેઓ છેલ્લે સુધી કોરોના-પેશન્ટ્સની સારવાર કરતા રહ્યા હતા.
ડૉ. હેમંત પાટીલને કોરોનાનું સંક્રમણ થયા બાદ નાલાસોપારામાં આવેલી રિદ્ધિવિનાયક હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ગઈ કાલે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાનું વસઈ-વિરાર શહેર મહાનગરપાલિકાના મેયર પ્રવીણ શેટ્ટીએ જણાવ્યું હતું.
ડૉ. હેમંત પાટીલ વસઈના જાણીતા ડૉક્ટર હતા. છેલ્લાં ૧૦ વર્ષથી તેઓ વસઈ-વિરાર મહાનગરપાલિકા અને એ પહેલાં નગરપરિષદના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ હતા. તેઓ નગરસેવક થયા બાદ સભાપતિ પણ બન્યા હતા. તેઓ બહુજન વિકાસ આઘાડીના નેતા હિતેન્દ્ર ઠાકુરના સમર્થક હોવાથી તેમણે ડૉક્ટરને બચાવવા માટેના પ્રયાસ કર્યા હતા, પરંતુ એ નિષ્ફળ રહ્યા હતા.

vasai coronavirus covid19 mumbai mumbai news