વાગડ સમાજમાં આજે બોલાશે અનોખા રાસગરબાની રમઝટ

17 September, 2022 09:29 AM IST  |  Mumbai | Rohit Parikh

જેમાં ૭૦ દિવ્યાંગજનો ગરબે ઘૂમશે. ‘તારે ઝમીન પર’ નામના સમાજના આ ગ્રુપનો આશય શારીરિક અને માનસિક અક્ષમ લોકોને પ્રવૃત્તિમય રાખવાનો અને તેમને બહારની દુનિયાથી પરિચિત કરાવવાનો છે

ગયા વર્ષે યોજાયેલા રાસગરબા ગરબે ઘૂમી રહેલા બાળકો.

વાગડના દિવ્યાંગજનોનું ગ્રુપ ‘તારે ઝમીન પર’ તરફથી આજે જોગેશ્વરી (વેસ્ટ)માં આવેલી ચંપાબેન દેવશી નંદુ મહાજનવાડીમાં સાંજના રાસગરબાના અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દિવ્યાંગજનો તેમના મિત્રો અને સગાંસંબંધીઓ સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવશે. ‘તારે જમીં પે’ ગ્રુપ દ્વારા છેલ્લાં દસ વર્ષથી સતત દિવ્યાંગજનો ચાર દીવાલોમાંથી બહાર આવીને સામાન્ય જનોની જેમ જ પ્રવૃત્તિમય બને અને તેમની શારીરિક અને માનસિક અક્ષમતાને ભૂલીને જીવનને માણે એ ઉદ્દેશથી રાસગરબાનો કાર્યક્રમ યોજે છે. આજના કાર્યક્રમમાં ૭૦ દિવ્યાંગજનો રાસગરબાની રમઝટ બોલાવશે.  

આ બાબતની માહિતી આપતાં ‘તારે ઝમીન પર’ ગ્રુપનાં અગ્રણી કાર્યકર ઊર્મિલા ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દસ વર્ષ પહેલાં અમારા સમાજના બે કાર્યકરોએ અમારા સમાજના પંદરથી સોળ દિવ્યાંગજનોને વાગડ કલા કેન્દ્રના કાર્યક્રમમાં પ્રથમ વખત પર્ફોર્મન્સ કરવાની તક આપી હતી. અમને જ્યારે આ તક મળી ત્યારે અમારી નજરમાં ફક્ત ત્રણથી ચાર જ દિવ્યાંગજનો હતા. પછી અમે સમાજમાં દિવ્યાંગજનોને શોધવાની શરૂઆત કરી હતી. એ સમય એવો હતો કે, દિવ્યાંગજનોને માતા-પિતા કે તેમના સ્વજનો દિવ્યાંગોને બહારની દુનિયામાં લાવતા અચકાતાં હતાં, પરંતુ અમારા કાર્યકરોએ માતા-પિતા સાથે કાઉન્સિલિંગ કરીને પ્રથમ વાર દિવ્યાંજનોને પ્લૅટફૉર્મ આપવા માટે અમે કોરિયોગ્રાફરને રાખીને પર્ફોર્મન્સ આપવામાં સફળ રહ્યા હતા. આ સફળતાએ અમને પણ સામાજિક સેવાની અને દિવ્યાંગજનોને સમાજમાં આગળ લાવવાની પ્રેરણા આપી. એમાંથી શરૂ થયું ‘તારે જમીં પે’ ગ્રુપ.’

અમારી પહેલી સફળતા પછી અમે સમાજમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી બીજાં દિવ્યાંગ બાળકોને શોધવાની શરૂઆત કરી. આ જાણકારી આપતાં ઊર્મિલા ગડાએ કહ્યું હતું કે ‘તારે ઝમીન પર’ ગ્રુપમાં બધી જ મહિલાઓ દિવ્યાંગ બાળકોને શોધવા અને તેમનાં માતા-પિતાને સમજાવીને તેમનાં દિવ્યાંગ બાળકોને પ્રવૃત્તિમય બનાવવા, તેમને ઘરની ચાર દીવાલોની બહાર લાવીને એક નવી દુનિયાનો પરિચય કરાવવા માટે સક્રિય બની હતી. દિવ્યાંગજનોનાં જ ભાઈ-બહેનો અમારી સાથે સ્વયંસેવકો બનીને તેમનાં દિવ્યાંગ ભાઈ-બહેનોને સ્પોર્ટ્સમાં, પિકનિકમાં, જીવદયાના કાર્યક્રમમાં લાવતાં થયાં છે. અમે અમારા ગ્રુપનાં દિવ્યાંગ બાળકોને તન-મન અને ધનથી સહયોગ કરીને અમારા દરેક કાર્યક્રમમાં તેઓ જોડાય એવા સંનિષ્ઠ પ્રયાસ કરીએ છીએ.’

આજે અમે આ ‘તારે ઝમીન પર’ ગ્રુપનાં દિવ્યાંગ બાળકો માટે ૧૧મા રાસગરબાના કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. એમ જણાવતાં ઊર્મિલા ગડાએ કહ્યું હતું કે ‘આ કાર્યક્રમમાં અમારા ગ્રુપનાં બાળકો સુંદર વસ્ત્રો તથા આભૂષણો પરિધાન કરીને સંગીતના તાલ સાથે તેમના પરિવાર અને મિત્રો સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોને ફ્રી પ્રવેશ આપવામાં આવશે અને તેમનાં માતા-પિતા અને અન્ય સ્વજનો પાસેથી એન્ટ્રી ફી લેવામાં આવશે, જેમાં તેમને ઇનામોની વણજાર સાથે ભાવતાં ભોજનિયાં પીરસવામાં આવશે. આ કાર્યક્રમમાં અનેક નવાં દિવ્યાંગ બાળકો જોડાવાની અમને આશા છે.’

rohit parikh Mumbai mumbai news taare zameen par