તરકીબો ગઈ ખાડે, આખરે સરેન્ડર કરવું પડ્યું રમેશ મ્હાત્રેએ

20 July, 2026 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉક્ટરો અને નર્સો પર હુમલો કરવાના કેસમાં ડોમ્બિવલીના શિવસેનાના નગરસેવકે બૉમ્બે હાઈ કોર્ટનો આદેશ આખરે માન્યો

રમેશ મ્હાત્રે

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ની હૉસ્પિટલમાં ઘૂસીને મહિલા ડૉક્ટર સહિત વધુ એક ડૉક્ટર અને નર્સ પર હુમલો કરવાના કેસમાં ધરપકડથી બચવાનો પ્રયાસ કરી રહેલા શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રેએ રવિવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ઘણા દિવસથી ખરાબ તબિયતને કારણે હૉસ્પિટલમાં દાખલ રહ્યા બાદ શનિવારે તેમના જામીન રદ કરવામાં આવ્યા હતા એટલે રમેશ મ્હાત્રેએ રવિવારે વિષ્ણુનગર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્રણ ઑગસ્ટ સુધી તેમને મૅજિસ્ટ્રેટની કસ્ટડીમાં રાખવાનો આદેશ પણ બૉમ્બે હાઈ કોર્ટે આપ્યો હતો.

રમેશ મ્હાત્રે સરેન્ડર થતાં ડૉક્ટરોને સંતોષ, ૨૦ જુલાઈની હડતાળ રદ
હાઈ કોર્ટે ચુકાદો આપતી વખતે ડૉક્ટરોએ જાહેર કરેલી ૨૦ જુલાઈની હડતાળ પાછી ખેંચાય એવી અપીલ કરી હતી, જેનું માન રાખીને તથા રમેશ મ્હાત્રેએ રવિવારે આત્મસમર્પણ કર્યું પછી ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)એ જાહેર કરેલી હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. જોકે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ માટે પૂરતી સુરક્ષા-વ્યવસ્થા સહિતની માગણીઓ પૂરી ન થાય તો ૯ ઑગસ્ટથી બેમુદત હડતાળ પર ઊતરવાની ચીમકી પણ IMA દ્વારા અપાઈ છે. 

mumbai news mumbai mumbai high court bombay high court dombivli shiv sena