અમૃતા ફડણવીસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રવક્તા વચ્ચે ટ્વિટર પર જામ્યો જંગ

13 October, 2021 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા વખત પહેલાં રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખ, સચિન વઝે અને પરમબીર સિંહને સાંકળી લેતા મહિને ૧૦૦ કરોડની હપ્તા વસૂલીનો કેસ ચગ્યો હતો. એથી અમૃતા ફડણવીસે એમ કહ્યું હતું કે કોઈ મને કહેશે કે આજે વસૂલી ચાલુ છે કે બંધ?

અમૃતા ફડણવીસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રવક્તા વચ્ચે ટ્વિટર પર જામ્યો જોરદાર જંગ

લખીમપુરની ઘટનાને લઈ રાજ્યની મહાવિકાસ આઘાડીની સરકારે સોમવારે બંધ જાહેર કર્યો હતો. સરકારે જાહેર કરેલા આ બંધનો વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો. જોકે બંધને લઈ તક મળતાં જ હંમેશાં રાજ્ય સરકાર અને તેમના કામ વિશે પોતાનો અભિપ્રાય ટ્વીટ કરીને જણાવતાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં ધર્મપત્ની અમૃતા ફડણવીસે ખરા ટાઇમે એક ટ્વીટ કરીને ટોણો માર્યો હતો. થોડા વખત પહેલાં રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખ, સચિન વઝે અને પરમબીર સિંહને સાંકળી લેતા મહિને ૧૦૦ કરોડની હપ્તા વસૂલીનો કેસ ચગ્યો હતો. એથી અમૃતા ફડણવીસે એમ કહ્યું હતું કે કોઈ મને કહેશે કે આજે વસૂલી ચાલુ છે કે બંધ?
હવે તેમણે મારેલા આ ટોણાનો જવાબ આપતાં સામા પક્ષે રાષ્ટ્રવાદી મહિલા કૉન્ગ્રેસનાં રુપાલી ચાકણકરે અમૃતા ફડણવીસને નિશાના પર લીધાં છે. અમૃતા ફડણવીસ સિંગર પણ છે અને તેમણે કેટલાંક ગીત પણ ગાયાં છે. એથી રુપાલી ચાકણકરે ટ્વીટ કરીને કહ્યું કે ‘જે રીતે ભાભીનાં ગીતોમાં સૂર-તાલનો મેળ નથી હોતો એ રીતે શું તેમના બોલવામાં પણ આજકાલ તાલમેળ નથી હોતો? સંવેદનહીન મન અને અર્ધકચરા જ્ઞાનનું પરફ્કેટ કૉમ્બિનેશન એટલે અમૃતાભાભી.’ આમ આ બંધને લઈને બંને માનુનીઓ દ્વારા હાલમાં ટ્વિટર પર ખડાજંગી જોવા મળી છે.

Mumbai mumbai news twitter