સાપ જેવા દેખાતા દુર્લભ સરીસૃપ પ્રાણીને પાલઘરમાં બચાવી લેવાયું

14 October, 2021 10:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિસિલિયન ચીકણો પદાર્થ સ્રાવ કરતા હોવાથી એમને પકડવાનું મુશ્કેલ બની જાય છે. આ યુક્તિનો ઉપયોગ શિકારીઓથી બચવા માટે તેઓ કરતા હોય છે, કારણ કે એમની દૃષ્ટિ નબળી હોય છે.’

વિક્રમગઢમાં દુર્લભ સરીસૃપ સિસિલિયનને બચાવવામાં આવ્યું હતું.

પાલઘરના વિક્રમગઢમાં સિસિલિયન નામનું દુર્લભ સરિસૃપ (રેપ્ટાઇલ) નીતિન વાડેકરના ઘરની પાસે જોવા મળ્યું હતું. તેમણે એને ઝેરી સાપ સમજીને પાર્થ પટેલ નામના ગુજરાતી ઍનિમલ ઍક્ટિવિસ્ટને બોલાવ્યો હતો. પાર્થને જાણ કરાતાં તે ત્યાં દોડી આવ્યો હતો અને રેપ્ટાઇલને રેસ્ક્યુ કર્યું હતું. 
વિક્રમગઢના એક પ્રાણીશાસ્ત્રી હૃષીકેશ શેળકેએ જણાવ્યું હતું કે ‘સિસિલિયનનું વૈજ્ઞાનિક નામ ઇચથિઓફિસ બોમ્બાયેન્સિસ છે જે સાપ જેવું દેખાય છે. એને પગ હોતા નથી અને લાંબું શરીર હોવાને કારણે પહેલી નજરમાં એ સાપ જેવું લાગે છે. તે પોતાનું મોટા ભાગનું જીવન જંગલની જમીનમાં રહે છે એટલે આપણે એને વધુ જોઈ શકતા પણ નથી. એ અમેરિકા, આફ્રિકા અને દ​ક્ષિણ એશિયામાં જોવા મળે છે. માદાઓ કેટલાક મહિનાઓ સુધી ખાધા વગર એમના બાળકને ઉછેરી શકે છે. એમના માટે અળસિયાં કુદરતી ખોરાક છે. રેપ્ટાઇલને શોધવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તેઓ ભૂગર્ભમાં અથવા ખેતરમાં જોવા મળતા પાંદડાંઓના ઢગલા હેઠળ રહે છે. સિસિલિયન ચીકણો પદાર્થ સ્રાવ કરતા હોવાથી એમને પકડવાનું મુશ્કેલ બની જાય છે. આ યુક્તિનો ઉપયોગ શિકારીઓથી બચવા માટે તેઓ કરતા હોય છે, કારણ કે એમની દૃષ્ટિ નબળી હોય છે.’
ઍનિમલ ઍક્ટિવિસ્ટ પાર્થ પટેલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સિસિલિયન કદાચ એના કુદરતી શિકારની શોધમાં હતું. અમે એને સલામત જગ્યાએ છોડી દીધું છે. સ્થાનિક લોકોએ અમને જાણ કરી અને એને મારી ન નાખ્યું હોવાથી અમે એને બચાવી શક્યા હતા.’

Mumbai mumbai news palghar