નિર્ભયા પથક ઍક્શનમાં

16 September, 2021 08:24 AM IST  |  Mumbai | Rohit Parikh

રાતના સમયે રસ્તા પર બેસેલી માનસિક રીતે અક્ષમ યુવતી કોઈ દુર્ઘટનાનો શિકાર બને એ પહેલાં જ તેને બચાવીને માતા-પિતા સાથે કરાવ્યું પુનર્મિલન

પાયલ અને નાઈક પરિવાર. પાયલ છૂટી તો પડી ગઈ હતી પણ પોલીસના નિર્ભયા પથકની શાનદાર કામગીરીને લીધે પાયલો ફરી પોતાના પરિવાર સાથે ભેટો થઈ શક્યો હતો.

સાકીનાકા દુષ્કર્મ અને હત્યાકાંડ પછી સફાળી જાગેલી મુંબઈ પોલીસ નિર્ભયા પથક શરૂ કરીને મુંબઈમાં મહિલાઓની સુરક્ષા માટે મેદાનમાં આવી છે. આ નિર્ભયા પથકની પહેલી કાર્યવાહી મંગળવારે રાતના પ્રકાશમાં આવી હતી. ટિળકનગર પોલીસની નિર્ભયા પથક ટીમે રાતના સમયે રોડ પર એકલી બેઠેલી એક માનસિક રીતે અક્ષમ યુવતીને કોઈ દુર્ઘટનાનો શિકાર બને એ પહેલાં જ બચાવીને તેનાં માતા-પિતા સાથે તેનું મિલન કરાવી આપ્યું હતું. 
આખો બનાવ એવો બન્યો હતો કે મંગળવારે રાતના ૧૦.૩૦ વાગ્યે ટિળકનગર પોલીસના નિર્ભયા પથકનાં મહિલા પોલીસ અધિકારી સીમા બાબરને તેમની ડ્યુટી દરમિયાન ટિળકનગર રેલવે-સ્ટેશનની બહારના રિક્ષા-સ્ટૅન્ડ પાસે ૨૬ વર્ષની પાયલ દિલીપ નાઈક નામની યુવતી રસ્તા પર એકલી બેઠેલી દેખાઈ હતી. સીમા બાબર તરત જ એ યુવતી પાસે પહોંચી ગયાં હતાં. તેમણે યુવતી પાસે જઈને તેની પાસેથી તેનું નામ અને પરિવાર વિશેની માહિતી જાણવાની કોશિશ કરી હતી. વાતચીત દરમિયાન સીમા બાબરને જાણકારી મળી કે તે યુવતી માનસિક રીતે અક્ષમ છે. આથી સીમા બાબર તે યુવતીને ટિળકનગર પોલીસ-સ્ટેશનમાં વધુ તપાસ માટે લઈ ગયાં હતાં. ત્યાં પાયલે તેની મમ્મીનું નામ દિવ્યા દિલીપ નાઈક છે અને દિવ્યા નાઈક બાંદરાની લીલાવતી હૉસ્પિટલમાં નોકરી કરે છે એમ કહ્યું હતું. 
આ બાબતની વિસ્તૃત માહિતી આપતાં સીમા બાબરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવાર રાતના ૧૦.૩૦ વાગ્યે ટિળકનગર રેલવે-સ્ટેશન પાસે સૂમસામ જગ્યા પર પાયલ એકલી બેઠી હતી. તેની નજીક ગયા પછી તેના વર્તનથી જ ખ્યાલ આવી ગયો હતો કે તે માનસિક રીતે અક્ષમ છે. મને જોઈને પહેલાં તો તેણે તેનો ચહેરા છુપાવી દીધો હતો. ત્યાર પછી મેં તેની સામે પ્રેમથી વાત શરૂ કરી. તેને પૂછ્યું કે તું જમી છે કે નહીં? તેણે ઇનકાર કરતાં પહેલાં તેને રાઇસપ્લેટ ખવડાવી હતી. પછી તેનો વિશ્વાસ સંપાદન કરીને તેને તેનું નામ અને તેનાં માતા-પિતાની વિગતો અને તે ક્યાં રહે છે એ પૂછવાની શરૂઆત કરી. જોકે તે હજી ડરેલી હતી. માનસિક રીતે અક્ષમ હોવાથી તેને તરત જ કંઈ યાદ આવતું નહોતું. પહેલાં તો તેણે કહ્યું કે તે કલ્યાણમાં રહે છે. એટલે તરત જ અમે કલ્યાણ પોલીસ કન્ટ્રોલનો સંપર્ક કર્યો હતો. થોડી વાર પછી પાયલ કહે કે તે સાંતાક્રુઝમાં રહે છે. પાયલ સતત આડાઅવળા અને અધકચરા જવાબો આપી રહી હતી. ધીરે-ધીરે તેણે અમને કહ્યું કે તેની માતાનું નામ દિવ્યા દિલીપ નાઈક છે અને તે લીલાવતી હૉસ્પિટલમાં નર્સની નોકરી કરે છે. અમે તરત જ લીલાવતીમાં ફોન કરીને તપાસ કરી હતી, પરંતુ ત્યાં દિવ્યા નામની કોઈ નર્સ નોકરી કરતી નહોતી. થોડી વાર પછી લીલાવતીમાંથી ફોન આવ્યો કે એક સ્વિપરની સુપરવાઇઝરનું નામ દિવ્યા છે અને તેને એક માનસિક રીતે અક્ષમ દીકરી છે. પછી તેનો નંબર મેળવીને અમે તેનો સંપર્ક કર્યો હતો.’ 
દિવ્યા નાઈક અને દિલીપ નાઈકે અમને કહ્યું હતું કે અમે સવારથી પાયલને શોધી રહ્યા છીએ. આ માહિતી આપતાં સીમા બાબરે કહ્યું હતું કે ‘તેનાં માતા-પિતા તેમની એકની એક દીકરી ઘરેથી સવારથી જતી રહી હતી એ માટે ચિંતિત હતાં. અમારો ફોન જવાથી તેમણે હાશકારો અનુભવ્યો હતો. તેઓ તરત જ સાંતાક્રુઝથી પાયલને લેવા ટિળકનગર પોલીસ-સ્ટેશનમાં આવી ગયાં હતાં.’   
નિર્ભયા પથકની પહેલી જ કામગીરીની પ્રશંસા કરતાં ટિળકનગરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ કાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સીમા બાબરની વધુ તપાસમાં તેના પિતાનું નામ દિલીપ નાઈક હોવાનું તેમ જ નાઈક પરિવાર સાંતાક્રુઝના ફિરોઝશા મહેતા માર્ગ પર આવેલી ખોતવાડીની સમતા ચાલમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. પાયલ માનસિક રીતે અક્ષમ હોવાથી તે તેની મમ્મી-પપ્પાની ગેરહાજરીમાં ઘરેથી બહાર નીકળીને ટિળકનગર પહોંચી ગઈ હતી. અમે તરત જ તેનાં મમ્મી-પપ્પાનો સંપર્ક કરીને તેમને ટિળકનગર પોલીસ-સ્ટેશનમાં બોલાવ્યાં હતાં અને તેમને મોડી રાતના ૨.૩૦ વાગ્યે પાયલને સોંપી દીધી હતી.’ 
સુનીલ કાળેએ વધુમાં કહ્યું હતું કે ‘સીમા બાબર રાતના સમયે નિર્જન વિસ્તારમાં પાયલને એકલી જોઈને સાવધાન થઈ ગઈ હતી. પાયલ સાથે કોઈ અણબનાવ બને નહીં એ હેતુથી સીમા બાબર પાયલને ટિળકનગર પોલીસ-સ્ટેશનમાં લઈ આવી હતી. પાયલની માનસિક હાલત બરાબર ન હોવાથી તેનો ગેરફાયદો ઉઠાવીને તેની સાથે કોઈ અનૈતિક કાર્ય કરે નહીં એ વિચારીને અમે તેની અને તેના પરિવારની તપાસ કરી હતી. અમને પાયલના પરિવાર સુધી પહોંચવામાં ચાર કલાક લાગ્યા હતા. ત્યાર બાદ તેને સુરક્ષિત રીતે તેનાં માતા-પિતાને સોંપી દીધી હતી. અમારા પોલીસ-સ્ટેશનના નિર્ભયા પથકની પ્રથમ કામગીરીથી અમને અનેક લોકોના અભિનંદનના મેસેજ અને ફોન આવી રહ્યા છે.’

Mumbai mumbai news rohit parikh