ડોમ્બિવલીમાં સાપ સાથે સ્ટન્ટ કરતો વિડિયો બનાવનાર સર્પમિત્રની ધરપકડ

27 July, 2020 02:21 PM IST  |  Mumbai Desk | Mehul Jethva

ડોમ્બિવલીમાં સાપ સાથે સ્ટન્ટ કરતો વિડિયો બનાવનાર સર્પમિત્રની ધરપકડ

સાપ સાથે નીરવ ગોગરી.

સોસાયટીમાં આવેલા સાપને પકડવાનું ડોમ્બિવલી-ઈસ્ટમાં આવેલા નવનીત નગર સોસાયટીમાં રહેતા નીરવ ગોગરીને ભારે પડ્યું હતું, જેમાં તેની કલ્યાણ વન વિભાગે શનિવારે બપોરે ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. જોકે વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે તે સાપ સાથે સ્ટન્ટ કરતો હતો અને એના વિડિયો સોશ્યલ મીડિયા પર મૂકતો હોવાથી તેની ધરપકડ કરી હતી.
ડોમ્બિવલી-ઈસ્ટમાં આવેલી નવનીત સોસાયટીની નજીકમાં જંગલવિસ્તાર આવેલો હોવાથી અનેક વાર સાપ સોસાયટીમાં આવી જાય મળે છે. નવનીત સોસાયટીમાં ૨૬ બિલ્ડિંગનો સમાવેશ છે. આશરે ૫૦૦૦ કરતાં વધુ સભ્યો આ સોસાટીમાં રહે છે. આ સોસાયટીમાં નીરવ ગોગરી પણ રહે છે. તે સર્પમિત્ર હોવાથી અહીં સાપ આવે તો સોસાયટીના રહેવાસીઓ એને પકડવા માટે નીરવનો સંપર્ક કરતા હતા. ૧૫ દિવસ પહેલાં આવેલા સાપને નીરવે પકડ્યો હતો અને એને જંગલમાં છોડવા જતો હતો ત્યારે કોઈકે તેનો વિડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો એથી વન વિભાગે તેના પર કાર્યવાહી કરી હતી.
આ બાબતે નીરવ ગોગરીએ જણાવ્યું હતું કે ‘હું સોસાયટીનું મેઇન્ટેનન્સનું કામ કરું છું. હું છેલ્લાં ૧૦ વર્ષથી સાપ પકડું છું. ૧૫ દિવસ પહેલાં સોસાયટીમાં આવેલા સાપને મેં પકડ્યો હતો, પરંતુ કોઈકે એનો વિડિયો લીધો હતો અને એને સોશ્યલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. હું કોઈ પ્રકારના સાપના સ્ટન્ટ કરતો નથી.
કલ્યાણ વન વિભાગનાં કલ્પના વાધરેએ જણાવ્યું હતું કે ‘ધરપકડ કરાયેલો નીરવ ગોગરી સાપ પકડી એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરતો હતો. એની માહિતી અમને મળતાં તેના પર વન વિભાગના પશુ અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે તેને હાલમાં જામીન પર છોડવામાં આવ્યો છે.’

mehul jethva mumbai mumbai news