દાદરમાં કચ્છી શેરબ્રૉકરે બાવીસમા માળેથી છલાંગ મારીને જીવ આપ્યો

23 November, 2019 11:51 AM IST  |  Mumbai Desk | bakulesh trivedi

દાદરમાં કચ્છી શેરબ્રૉકરે બાવીસમા માળેથી છલાંગ મારીને જીવ આપ્યો

દાદર (ઈસ્ટ)માં રહેતા કચ્છી દશા ઓસવાળ (કેડીઓ) જ્ઞાતિના ૫૧ વર્ષના શૅરબ્રોકર હિરેન મણિલાલ ડુંગરશી દંડે આજે સવારે બાવીસમા માળના પોતાના ફ્લૅટમાંથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું. તેમના આ પગલાને કારણે કેડીઓ સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શૅરબ્રોકરનું કામ કરતા હિરેનભાઈ સમાજમાં આગળ પડતું સ્થાન ધરાવતા હતા અને અનેક સખાવતી કાર્યોમાં દાન આપતા હતા. તેમના આકસ્મિક નિધનથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. તેમના પરિવારમાં પત્ની હેમાબહેન અને દીકરા સિદ્ધાંતનો સમાવેશ છે. તેમના નાના ભાઈ વિપુલભાઈ હાલમાં અમેરિકા છે. 

હિરેનભાઈ દાદર-ઈસ્ટના જી. ડી. આંબેડકર રોડ પર આવેલા સ્પ્રિંગ આઇસલૅન્ડ સિટી સેન્ટરમાં બાવીસમા માળે ૨૨૦૩ નંબરના ફ્લૅટમાં પરિવાર સાથે રહેતા હતા. આજે સવારે તેઓ ઘરમાં હતા અને તેમનાં પત્ની હેમાબહેન તેમને માટે દૂધ લેવા રસોડામાં ગયાં હતાં. તેમણે બહાર આવીને જોયું ત્યારે હિરેનભાઈ ન દેખાયા. ત્યાર બાદ તેમને જાણ થઈ કે તેમણે ફ્લૅટમાંથી ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હતું. ત્યાર બાદ આ વિશે રફી અહેમદ કિડવાઇ માર્ગ પોલીસને જાણ કરાતાં પોલીસે તેમના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યો હતો.
નજીકના એક સંબંધીએ જણાવ્યું હતું કે ‘વર્ષોથી શૅરબજારમાં દલાલી કરતા હોવાથી તેઓ પૈસેટકે સુખી હતા. આ ફ્લૅટમાં તેઓ બે-અઢી વર્ષ પહેલાં જ રહેવા આવ્યા હતા. વળી તેઓ સમાજમાં પણ બહુ દાનધર્મ કરતા રહેતા હતા. કોઈ પણ વ્યક્તિ તેમની પાસે મદદ માટે ગઈ હોય તો તેમને તેઓ આર્થિક મદદ ચોક્કસ કરતા. જોકે તેઓ લાંબા સમયથી, લગભગ ૧૫ વર્ષથી માનસિક બીમારીની દવા લેતા હતા.’

આ પણ વાંચો : ગળાડૂબ પ્રેમમાં છે Aishwarya Majmudar, જુઓ તેના મનના માણીગર સાથેની ખાસ તસવીરો.

આરએકે માર્ગ પોલીસ સ્ટેશનના પોલીસ ઑફિસર પાલાંડેએ આ વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘તેમનાં પત્ની હેમાબહેને કહ્યું હતું કે તેઓ લાંબા સમયથી માનસિક બીમારીની દવા લઈ રહ્યા હતા. તેમના મૃતદેહનો અમે કબજો લીધો હતો અને એને પોસ્ટમૉર્ટમ માટે કેઈએમ હૉસ્પિટલ મોકલાવ્યો હતો. સાંજે મૃતદેહ તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો.
મોડી સાંજે તેમની અંતિમયાત્રા નીકળી હતી જેમાં મિત્રો અને પરિવાર સાથે સમાજના અનેક મોભીઓ હાજર રહ્યા હતા.

Crime News mumbai mumbai crime news dadar