11 July, 2024 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધરપકડ કરેલા સાત આરોપીઓ સાથે નવી મુંબઈની ક્રાઇમ બ્રાન્ચની ટીમ.
મુલુંડના જાણીતા જ્વેલરને સસ્તામાં સોનાનાં બિસ્કિટ વેચવાની લાલચ આપીને ૨૫ જૂને નવી મુંબઈના ખારઘરમાં બોલાવીને તેની મારઝૂડ કર્યા પછી ૧૩ લાખ રૂપિયા લઈને નાસી જનારા સાત આરોપીઓની નવી મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસમાં આરોપીઓની ચોંકાવનારી કાર્યપદ્ધતિ બહાર આવી છે. તેઓ પોલીસ જેવી અર્ટિગા કાર વાપરી, પોલીસ જેવાં જ કપડાં પહેરી, ડંડો હાથમાં રાખીને પહેલાં તેમના ટાર્ગેટની મારઝૂડ કરતા અને ત્યાર બાદ તેની પાસે રહેલા પૈસા લઈને નાસી જતા હતા. આરોપીઓ સામે મુંબઈ ઉપરાંત થાણે, વસઈ-વિરાર અને ગુજરાતમાં આવા કેસ નોંધાયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મુલુંડ-વેસ્ટમાં એમ. જી. રોડ પર જ્વેલરી-શૉપ ધરાવતા ૫૦ વર્ષના વેપારીને આરોપીઓએ સસ્તામાં સોનાનાં બિસ્કિટ વેચવાનાં હોવાનું કહીને એ ખરીદવા ૨૫ જૂને બપોરે ખારઘરમાં આવવા માટે કહ્યું હતું એમ જણાવતાં નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ એકના સિનિયર ઇન્સ્પેક્ટર સુનીલ શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોનાના એક બિસ્કિટ પાછળ આશરે ૧૦થી ૧૨ હજાર રૂપિયાનો ફાયદો થતો હોવાથી વેપારી તેના એક નોકર સાથે ૧૩ લાખ રૂપિયાની રોકડ લઈને મુલુંડથી ખારઘર કોપર ગામમાં સોનું લેવા પહોંચ્યા હતા. તેઓ સોનું વેચવા આવનારી વ્યક્તિની રાહ જોઈ રહ્યા હતા ત્યારે પોલીસના વાહન જેવી દેખાતી સફેદ કલરની અર્ટિગા કાર ત્યાં આવી હતી. એમાંથી ત્રણ શખ્સે પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને હાથમાં રહેલા ડંડાથી વેપારી અને તેના નોકરની મારઝૂડ કરી હતી અને વેપારીને ધમકાવી ૧૩ લાખ રૂપિયાની રોકડ લઈને ત્યાંથી પલાયન થઈ ગયા હતા. આ ઘટનામાં વેપારી ખૂબ જ ગભરાઈ ગયા હતા. જોકે હિંમત દેખાડીને તેમણે ખારઘર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’
આરોપીઓને શોધવા માટે અમે ત્રણ ટીમ બનાવી હતી અને આશરે નવ દિવસ ચાલેલા ઑપરેશન બાદ ભાંડુપ, કુર્લા, ઘનસોલી અને સાતારામાં રહેતા સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એમ જણાવતાં નવી મુંબઈના ડેપ્યુટી પોલીસ-કમિશનર (ક્રાઇમ) અમિત કાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાસ્થળની આસપાસમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ તપાસતાં જે કારમાં આરોપીઓ આવ્યા હતા એ અર્ટિગા કારનો નંબર બદલવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી અમને મળી હતી. એ પછી કારનો આવવાનો અને જવાનો રૂટ ચેક કરતાં કારની પાછળ જઈ રહેલી બે શંકાસ્પદ મોટરસાઇકલ અમને દેખાઈ હતી એટલે અમે એમની માહિતી કાઢી હતી. ત્યારે અમે એક આરોપી સુધી પહોંચીને રાજ શેખ, વિશાલ તુપે, રોહિત શેલાર, નીલેશ બનગે, શિવાજી ચિકણે, વિશાલ ચોરગે અને દિલેર ખાનની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ૧૨,૨૭,૩૦૦ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે.’