ઘાટકોપરના ગુજરાતી વૃદ્ધ વરસાદને કારણે પાછા ફર્યા, પરંતુ ઘરે ન પહોંચ્યા

28 July, 2019 11:39 AM IST  |  મુંબઈ

ઘાટકોપરના ગુજરાતી વૃદ્ધ વરસાદને કારણે પાછા ફર્યા, પરંતુ ઘરે ન પહોંચ્યા

ઘાટકોપરના વૃદ્ધ લાપતા

શુક્રવારે મુલુંડમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા ઘાટકોપરના ગુજરાતી વૃદ્ધ ગુમ થઈ ગયા છે. ભારે વરસાદ અને ટ્રાફિક જૅમને કારણે મુલુંડ પહોંચી ન શકનારા વૃદ્ધે પોણાનવ વાગ્યે ઘરે ફોન કરીને કહ્યું કે હું ઘરે પાછો આવી રહ્યો છું. જોકે પોણાદસ વાગ્યા બાદ તેમનો ફોન નોટ રિચેબલ આવતાં ચિંતિત પરિવારજનોએ સૂર્યાનગર પોલીસ-સ્ટેશનમાં તેઓ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી છે.
ઘાટકોપર-પશ્ચિમની કલ્પતરુ સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત સરકારી કર્મચારી ૬૮ વર્ષના પ્રકાશ કામદાર શુક્રવારે મુલુંડમાં એક ગેટ-ટુગેધરમાં હાજરી આપવાનું કહીને નીકળ્યા બાદ ભારે વરસાદને કારણે ટ્રાફિકથી કંટાળીને ઘરે પાછા આવવા નીકળ્યા હતા. પ્રકાશભાઈ જોકે મોડી રાત સુધી ઘરે પાછા ન ફરતાં કામદાર-પરિવારને ચિંતા થઈ હતી અને તેમણે તેમના વડીલ ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. જોકે ગોદરેજના સીસીડી પાસેના નાળામાં એક વ્યક્તિ પડી ગઈ હતી એ કદાચ પ્રકાશ કામદાર જ હશે એવી શંકા પરિવારજનોને છે.

પ્રકાશ કામદારના દીકરા દીપેશ કામદારે આ સંદર્ભે ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ‘મારા પપ્પા સરકારી કર્મચારી હતા અને છેલ્લાં ૧૦ વર્ષથી નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા. શુક્રવારે ઑફિસના જૂના કલીગ ૩૦ જુલાઈએ રિટાયર થવાના હતા એ માટે મુલુંડમાં એક ડિનર-પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજરી આપવા તેઓ પોણાછ વાગ્યે ઘરેથી નીકળીને બસમાં બેઠા હતા. ગઈ કાલે ધોધમાર વરસાદ પડવાને કારણે સખત ટ્રાફિક જૅમ હતો અને પોણાનવ વાગ્યા સુધી માંડ તેઓ કાંજુરમાર્ગ સુધી પહોંચ્યા હતા. આખરે કંટાળીને તેઓ ઘરે પાછા આવવા નીકળ્યા હતા અને તેમણે મારી મમ્મીને પોણાનવ વાગ્યે ફોન કરીને કહ્યું કે ‘હું પાછો ઘરે આવી રહ્યો છું.’ પોણાદસ વાગ્યા સુધી તેઓ પાછા ન આવતાં અમને ચિંતા થઈ હતી અને અમે ફોન કર્યો તો તેમનો મોબાઇલ નોટ રિચેબલ આવતો હતો.’

પ્રકાશ કામદાર શુક્રવાર રાતથી ઘરે પાછા ન ફરતાં તેમના પરિવારજનોને ચિંતા થવા માંડી હતી. સૂર્યાનગર પોલીસ-સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવ્યા બાદ પ્રકાશભાઈનો દીકરો દીપેશ અને તેમના મિત્રો પ્રકાશભાઈને શોધવા માટે ઘાટકોપરથી કાંજુરમાર્ગનો આખો વિસ્તાર ફેંદી વળ્યા હતા, પણ તેમની ક્યાંય ભાળ નહોતી મળી.

ghatkopar mumbai