વાલકેશ્વરના ગુજરાતી વેપારીએ વૉટ્સઍપ પર આવેલી કંકોતરી ખોલી અને ખંખેરાઈ ગયા

10 September, 2026 07:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઠિયાઓએ તેમનાં બે બૅન્ક-ખાતાંઓમાંથી ૧,૬૩,૦૨૮ રૂપિયા ઉપાડી લીધા

પ્રતીકાત્મક તસવીર

વાલકેશ્વર વિસ્તારમાં રહેતા અને ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય કરતા ૫૭ વર્ષના ગુજરાતી વેપારીને સોમવારે સાંજે વૉટ્સઍપ પર લગ્નની કંકોતરીના નામે એક ઍન્ડ્રૉઇડ પૅકેજ કિટ (APK) ફાઇલ મોકલીને તેમનાં બે બૅન્ક-ખાતાંમાંથી ૧,૬૩,૦૨૮ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. આ મામલે વેપારીએ મંગળવારે મલબાર હિલ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સોમવારે સાંજે વેપારીના વૉટ્સઍપ નંબર પર સંબંધીના નંબર પરથી લગ્નનું આમંત્રણ ધરાવતી APK ફાઇલ આવી હતી. વેપારીએ આ ફાઇલ સાચી માનીને પોતાના મોબાઇલમાં ઓપન કરી હતી. આ ફાઇલ ડાઉનલોડ થતાં જ સાઇબર ગઠિયાઓએ તેમના ફોનનો ઍક્સેસ મેળવી લીધો હતો અને માત્ર એક કલાકના સમયગાળા દરમ્યાન તેમનાં બે બૅન્ક-અકાઉન્ટમાંથી પૈસા સરકાવી લીધા હતા. આ કેસમાં વેપારીનાં બૅન્ક-ખાતાંમાંથી પૈસા ઉપાડ્યા બાદ વેપારીના વૉટ્સઍપના અન્ય નંબરો પર આ લિન્ક મોકલવામાં આવી હતી.

શું હતો ઘટનાક્રમ?
વાલકેશ્વરમાં રહેતા વેપારીને સોમવારે સાંજે તેમના વૉટ્સઍપ નંબર પર એક સંબંધીના નંબર પરથી લગ્નના નિમંત્રણના નામે એક APK ફાઇલ આવી હતી. તેમણે આ ફાઇલ વૉટ્સઍપ પર ઓપન કરી હતી, જેનાથી ઠગોએ તેમના ફોનનો ઍક્સેસ મેળવી લીધો હતો.
સાઇબર ગઠિયાઓએ ઍક્સેસ મેળવ્યા બાદ સોમવારે રાત્રે દસથી ૧૧ વાગ્યાની વચ્ચે વેપારીનાં બે અલગ-અલગ બૅન્ક-ખાતાંમાંથી કુલ ૬ ટ્રાન્ઝૅક્શન દ્વારા ૧,૬૩,૦૨૮ રૂપિયા ઉપાડી લીધા હતા. 
ઘટના સમયે વેપારી સૂતા હોવાથી બીજા દિવસે સવારે તેમણે મોબાઇલમાં પૈસા કપાયા હોવાનો મેસેજ જોયો હતો. ત્યાર બાદ તેમણે સાઇબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ મંગળવારે મલબાર હિલ પોલીસ-સ્ટેશનમાં આવીને સત્તાવાર રીતે પોતાની ફરિયાદ નોંધાવી હતી.
મલબાર હિલ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે તેમ જ નાગરિકોને વૉટ્સઍપ પર અજાણ્યા સ્રોત તરફથી આવતી કોઈ પણ APK ફાઇલ કે લિન્ક ન ખોલવા અપીલ કરી છે.

mumbai news mumbai walkeshwar gujaratis of mumbai gujarati community news cyber crime mumbai police