જેને ત્યાં ચોરી કરી તેને જ માલ વેચ્યો

10 August, 2022 07:20 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ટૅક્સીમાંથી ઈસીએમ ચોરીને ટૅક્સીવાળાઓને જ સસ્તામાં વેચતી ટોળકી પકડાઈ : એના પર કોઈ યુનિક આઇડેન્ટિફિકેશન નંબર કે સ્પેસિફિક ઓળખ દર્શાવે એવો કોડ ન હોવાથી એનો ફાયદો ચોર ટોળકી લેતી હતી

ભાયખલા પોલીસે ચાર આરોપીઓ (જમણે)ને પકડીને તેમની પાસેથી ઈસીએમ જપ્ત કર્યાં હતાં.


મુંબઈ : ભાયખલા પોલીસે યુનિક કહેવાય એવી એક ચોરી પકડી પાડી છે. ટૅક્સીમાં લગાડવામાં આવતા એન્જિન કન્ટ્રોલ મૉડ્યુલ (ઈસીએમ - જેના કારણે ટૅક્સીના ઘણાંબધાં ફંક્શન્સ કન્ટ્રોલ થાય છે)ની ચોરી થતી હતી અને ઘણીબધી ફરિયાદો મળતી હતી. ભાયખલા પોલીસે ૭૫ સીસીટીવી કૅમેરાનાં ફુટેજની ચકાસણી કરીને આખરે ચોરી કરનારા ત્રણ આરોપી અને એ ચોરીનો માલ લેનાર એક આરોપી એમ કુલ ચાર આરોપીની ધરપકડ કરી હતી. ઘણી વાર તો એવું બનતું કે જેની ટૅક્સીમાંથી ઈસીએમ ચોરાયું હોય એનો જ ડ્રાઇવર આ ટોળકીના વેપારી પાસે આવી સેકન્ડહૅન્ડમાં ઈસીએમ તેની ટૅક્સીમાં બેસાડતો હતો. આમ પોતાની જ ચોરાયેલી વસ્તુ ફરી બેસાડવા તેણે પૈસા ચૂકવવા પડતા હતા.  
આ કેસ વિશે વધુ માહિતી આપતાં ભાયખલા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ચીમાજી આઢાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ જે એન્જિન કન્ટ્રોલ મૉડ્યુલ છે એ ટૅક્સીના એન્જિનથી લઈને અન્ય ઘણાંબધાં કન્ટ્રોલ જેમ કે ઇલેક્ટ્રિક લાઇટ, મ્યુઝિક સિસ્ટમને કન્ટ્રોલ કરતું હોય છે. જો એ બંધ થઈ જાય તો ટૅક્સી બંધ થઈ જાય છે. એથી એ બહુ મહત્ત્વનો પાર્ટ ગણાય છે. એ ઈસીએમ ટૅક્સીના ડેશબોર્ડની નીચે બેસાડેલું હોય છે. વળી એના પર કોઈ યુનિક આઇડેન્ટિફિકેશન નંબર કે કોઈ સ્પેસિફિક ઓળખ દર્શાવે એવો કોડ એવું કશું જ હોતું નથી. એનો જ ફાયદો આ ચોર ટોળકી લેતી હતી. તેઓ કોઈને શક ન આવે એ રીતે ટૅક્સી-ડ્રાઇવરના યુનિફૉર્મમાં રાતે પાર્ક કરેલી ટૅક્સી પાસે પહોંચતા અને દરવાજો ખોલીને બહુ ઈઝી રીતે માઉન્ટ કરેલું આ ઈસીએમ ગણતરીની મિનિટોમાં ચોરીને નીકળી જતા હતા. ચોરેલાં ઈસીએમ તેઓ ઇરફાન સાબિર શેખને વેચતા હતા. ઇરફાન તેમને સામે પૈસા આપી દેતો. જે ટૅક્સીવાળાનું ઈસીએમ ચોરાયું હોય તેને તો એ નવું બેસાડે નહીં ત્યાં સુધી ટૅક્સી ચાલુ થાય નહીં અને ધંધાને પણ અસર થાય એટલે એ બેસાડવું જ પડે. જો તે નવું પેટીપૅક લેવા જાય તો એ અંદાજે ૧૫,૦૦૦ રૂપિયાનું આવે. એથી ટૅક્સીવાળા એ સેકન્ડહૅન્ડમાં લગાવવાની તજવીજ કરે. ઇરફાન તેમને એ ચોરેલું ઈસીએમ ૭,૦૦૦થી ૮,૦૦૦ રૂપિયામાં આપે. આમ તેમની લગભગ ૫૦ ટકા જેટલી રકમ બચતી હોવાથી સેકન્ડમાં એ લઈને લગાડવું પ્રિફર કરતા હતા. જો કોઈ ટૅક્સીવાળો પૂછે તો કહે કે ઘણી ટૅક્સીઓ ભંગારમાં તૂટતી હોય છે, એનું આ ઈસીએમ છે અથવા એમ કહી દે કે ઘણી ટૅક્સીનો ઍક્સિડન્ટ થાય પછી એમાંથી જે સારો બચી ગયેલો માલ હોય એમાંનું આ ઈસીએમ છે. આમ ટૅક્સીવાળાને તો ડબલ માર પડતો હતો. એક તો ઈસીએમ ચોરાય એ અને ફરી પાછું એ ખરીદીને બેસાડવું પડે. કોઈક વાર તો એવું બનતું કે ટૅક્સીવાળો જ્યારે સેકન્ડમાં ઇરફાન પાસેથી ઈસીએમ લે ત્યાર તેને લાગે કે તેની જ ટૅક્સીનું ઈસીએમ છે અને એને ઓળખી કાઢે, પણ એ પ્રૂવ કરવા માટે તેની પાસે કોઈ નંબર કે આઇડેન્ટિફિકેશન કોડ ન હોવાથી મન મનાવી લે કે હશે. એમ કહી પૈસા ચૂકવીને તે પોતાનું જ ચોરાયેલું ઈસીએમ ટૅક્સીમાં બેસાડતો હતો.
ચીમાજી આઢાવે વધુમાં માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમારી પાસે આ બાબતની એક કરતાં વધુ ફરિયાદો આવવા માંડી ત્યારે સીસીટીવી કૅમેરાનું ફુટેજ ચેક કરતાં ત્રણ આરોપીઓ શુકલાજી સ્ટ્રીટ પાસે જતા હોવાનું દેખાતું હતું. અમે ૭૫ જેટલા પ્રાઇવેટ અને પબ્લિક સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસીને એ આરોપીઓની ઇમેજ કાઢી હતી. એ પછી ખબરી નેટવર્કમાં એ ઇમેજ સર્ક્યુલેટ કરતાં તેઓ તાડદેવ તુલસીવાડીમાં રહેતા હોવાનું જણાઈ આવ્યું હતું. એ પછી તપાસ કરીને એ ત્રણ આરોપીઓ ઇમરાન નઈમઉલ્લાખાન, મોહમ્મદ શફીક અને શૌકત અલીને માઝગાવમાંથી ૬ ઑગસ્ટે ઝડપી લીધા હતા. તેમની પાસેથી ૬ ઈસીએમ મળી આવ્યાં હતાં. ત્યાર બાદ તેમની  પૂછપરછ કરતાં તેમણે ચોરીનાં ઈસીએમ ઇરફાન સાબિર શેખને વેચ્યાં હોવાનું જણાવ્યું હતું. એથી ઇરફાનની ધરપકડ કરી હતી અને તેની પાસેથી બે ઈસીએમ જપ્ત કર્યાં હતાં. ચારે આરોપીઓને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેમને ૧૧ ઑગસ્ટ સુધીની પોલીસ-કસ્ટડી આપી છે.’

mumbai news mumbai byculla