દારૂડિયા ટ્રક-ડ્રાઇવરે ટ્રૉલીને ટક્કર મારીને બાપ્પાની મૂર્તિ ખંડિત કરી

08 September, 2026 07:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા રોડ નજીક બની ઘટના : નાલાસોપારાનું મંડળ લોઅર પરેલથી પગપાળા લઈ જઈ રહ્યું હતું મૂર્તિ

નાલાસોપારાના ગણરાજ ગણેશ મંડળની મૂર્તિ ખંડિત થઈ એ પહેલાં.

મીરા રોડના પાંડુરંગવાડી સિગ્નલ નજીક ગણપતિબાપ્પાની ૧૫ ફુટ ઊંચી મૂર્તિ લઈ જતી ટ્રૉલીને ટક્કર મારીને ખંડિત કરવાના આરોપમાં કાશીમીરા પોલીસે મિક્સરના ડ્રાઇવર વિશ્વજિત ઝાની રવિવારે ધરપકડ કરી હતી. નાલાસોપારાના ગણરાજ ગણેશ મંડળ દ્વારા ગણેશોત્સવ નિમિત્તે સ્થાપના કરવા માટે મંડળના કાર્યકરો શનિવારે સાંજે લોઅર પરેલથી બાપ્પાની મૂર્તિ લઈ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ આવતા મિક્સરના ડ્રાઇવરે બાપ્પાની મૂર્તિને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ ડ્રાઇવરે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મંડળના કાર્યકરોએ પીછો કરીને તેને પકડી પાડ્યો હતો. પાછળથી ડ્રાઇવરનું મેડિકલ પરીક્ષણ કરતાં તે નશામાં હોવાની માહિતી સામે આવી હતી. 

નાલાસોપારાના ગણરાજ ગણેશ મંડળના પ્રમુખ જયકુમાર સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાપ્પાની આ મૂર્તિ અમે સાડાચાર લાખ રૂપિયાની લીધી હતી આ મૂર્તિ સ્ટૅન્ડિંગ હોવાથી એમાં તિરાડ ન પડે અને ખંડિત ન થાય એ માટે અમે મૂર્તિ લઈને શુક્રવારે બપોરે લોઅર પરેલથી નાલાસોપારા તરફ ચાલતા લઈ જઈ રહ્યા હતા ત્યારે શનિવારે રાત્રે ૩ વાગ્યે આ અકસ્માત થયો હતો. પૂરઝડપે આવતી એક મિક્સર ટ્રકે મૂર્તિ રાખેલી ટ્રૉલીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે ગણેશજીની મૂર્તિની સૂંઢમાં તિરાડ પડી ગઈ હતી, જ્યારે કાનના કુંડળ અને જમણા હાથમાં રહેલું વજ્ર તૂટી જતાં મૂર્તિને ભારે નુકસાન થયું હતું. અકસ્માત કરીને મિક્સર ડ્રાઇવર વાહન સાથે ભાગી ગયો હતો. જોકે અમારા મંડળના સભ્યોએ તેનો પીછો કર્યો હતો અને કાશીગાવના ફાઉન્ટન બ્રિજ નજીક તેને પકડી પાડ્યો હતો. ત્યાર બાદ અમે તાત્કાલિક પોલીસ કન્ટ્રોલ પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી.’

પોલીસ શું કહે છે?
કાશીમીરા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અકસ્માત કરીને નાસવાનો પ્રયાસ કરનાર ડ્રાઇવરની અમે ધરપકડ કરી છે. તેની મેડિકલ ટેસ્ટ કરાવતાં તે નશામાં હોવાનું સામે આવ્યું છે. તેનું મિક્સર જપ્ત કરવામાં આપ્યું છે. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

mumbai news mumbai mira road nalasopara lower parel mumbai police mumbai crime news Crime News