કલ્યાણ-ડોમ્બિવલીમાં એક ખાડો ભરવા કરાયો બાવીસ હજારનો ખર્ચ

16 November, 2019 11:50 AM IST  |  Mumbai

કલ્યાણ-ડોમ્બિવલીમાં એક ખાડો ભરવા કરાયો બાવીસ હજારનો ખર્ચ

મુંબઇના રસ્તાઓમાં ખાડા પુરવા થયો મસમોટો ખર્ચો

કલ્યાણ-ડોમ્બિવલી ક્ષેત્રમાં ચોમાસામાં પડેલા ખાડા ભરવા માટેનું કામ ચાલી રહ્યું છે ત્યારે એક ખાડો ભરવા માટે ૨૨ હજાર રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. પાલિકા શું સોનાની ઈંટથી ખાડા ભરી રહી છે એવો સવાલ પુછાઈ રહ્યો છે. આ વખતના ચોમાસામાં કલ્યાણ-ડોમ્બિવલીમાં મોટી સંખ્યામાં ખાડા પડ્યા હતા. આથી આ ખાડાઓ પર રૅપ સૉન્ગ, ખાડાની સ્થિતિ કહેતા વિડિયો અહીંના રહેવાસીઓએ તૈયાર કર્યા છે. આ ખાડાઓ ભરવા માટે પાલિકાએ ૧૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા.

જાગરૂક નાગરિક મંચના શ્રીનિવાસ ઘાણેકરે આ બાબતની માહિતી માહિતી અધિકાર હેઠળ મેળવતાં ચોંકાવનારી વિગતો જાણવા મળી છે, કારણ કે પાલિકાએ ડોમ્બિવલીથી ટિટવાલા સુધી ફેલાયેલી મહાનગરપાલિકાના વિસ્તારમાં આ ચોમાસામાં ૬૧૪૩ ખાડા પડ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.

કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાએ આમાંથી કૉન્ટ્રૅક્ટરોને ૫૨૮૩ ખાડા ભરવા માટે ૧૧ કરોડ ૯૦ લાખ રૂપિયાની ચુકવણી કરાઈ છે. આનો હિસાબ તપાસીએ તો ખ્યાલ આવે છે કે પાલિકાએ એક ખાડો ભરવા માટે ૨૨,૫૨૫ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આથી સવાલ થાય છે કે આ કામ માટે ડામર વપરાયો છે કે સોનાની ઈંટ એવો સવાલ ઊંભો થાય છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

બીજી તરફ આ જ કથિત ભ્રષ્ટાચાર બાબતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ તાજેતરમાં જ થયેલી મહાસભામાં સત્તાધારી શિવસેનાને નિશાન બનાવી હતી. ચોંકાવનારી વાત એ છે કે સત્તામાં ભાગીદાર બીજેપીએ પણ આ વખતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને સાથ આપીને શિવસેનાની ટીકા કરી છે. ખાડા ભરવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ શહેરમાં એ દેખાતું નથી. આથી બીજેપી પણ આ મામલે આંદોલન છેડવાના મૂડમાં હોવાનું દેખાઈ રહ્યું છે.

mumbai news