તારીખ પ્રમાણેના જન્મદિવસે અવસાન તિથિ મુજબના બર્થ-ડે પર અંતિમ સંસ્કાર

30 March, 2024 07:53 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મલાડના સિનિયર સિટિઝન ગાર્ડનમાં રાઉન્ડ મારતા હતા ત્યારે પત્ની સાથે ફોન પર વાત કરતી વખતે જ ઢળી પડ્યા અને જીવ ગુમાવી દીધો

મલાડના નરેન્દ્ર શાહે બર્થ-ડે પર જ જીવ ગુમાવ્યો હતો.

મલાડ-ઈસ્ટમાં અશોક હૉસ્પિટલ પાસે રાજહંસ અપાર્ટમેન્ટમાં રહેતા ૬૫ વર્ષના સિનિયર સિટિઝન નરેન્દ્ર શાહે તેમના જન્મદિવસે ૨૮ માર્ચે જીવ ગુમાવ્યો હતો. તેઓ દરરોજની જેમ ગાર્ડનમાં રાઉન્ડ મારવા ગયા ત્યારે પત્ની સાથે ફોન પર વાત કરતાં-કરતાં અચાનક જ ઢળી પડ્યા હતા અને ત્યાં જ જીવ ગુમાવી દીધો હતો. નરેન્દ્ર શાહ સામાજિકથી લઈને ધાર્મિક કાર્યક્રમોમાં આગળ પડતા હોવાથી ગઈ કાલે તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

નરેન્દ્રભાઈ ઘરની પાસે આવેલા ગાર્ડનમાં દરરોજ સાંજના રાઉન્ડ મારવા જતા હતા અને ત્યાંથી ઘર માટે શાકભાજી, ફળો લેતા આવતા હતા. નરેન્દ્રનો ગુરુવારે તારીખ પ્રમાણે અને ગઈ કાલે તિ​થિ પ્રમાણે જન્મદિવસ હતો એમ જણાવીને તેમના મોટા ભાઈ નવીન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તારીખ પ્રમાણે જન્મદિવસ હતો ત્યારે તેણે જીવ ગુમાવ્યો હતો અને તિથિ પ્રમાણે હતો ત્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગાર્ડનમાં રાઉન્ડ મારતાં-મારતાં પત્ની સાથે વાત કરીને શું લાવવાનું છે એ પૂછી રહ્યો હતો ત્યારે અચાનક તે પડી ગયો હતો. ગાર્ડનમાં ચાલતી અન્ય વ્યક્તિએ તેનો ફોન ચાલુ છે એ જોઈને ઉપાડીને

ઘરવાળાઓને તાત્કાલિક આવવા જણાવ્યું હતું. તેને તરત પાસે આવેલી હૉસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરે તપાસ કરીને હાર્ટ-અટૅકથી જીવ ગુમાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ બનાવ બન્યો એ દિવસે રાતના અમારો પરિવાર હોટેલમાં જઈને તેના બર્થ-ડેની ઉજવણી પણ કરવાનો હતો. નરેન્દ્ર સવારે બધાને પગે લાગીને આશીર્વાદ પણ લઈ ગયો હતો. બિલ્ડિંગથી લઈને અમારા હર્ષોલ સત્યાવીસ સમાજમાં તેને લોકો ખૂબ પસંદ કરતા હતા. મારા શરીરનું તે એક અંગ હતો.’

mumbai news mumbai malad gujaratis of mumbai gujarati community news