01 February, 2025 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે પહેલી વખત ૪ વર્ષના બૅચલર ઑફ નૅચરોપથી ઍન્ડ યોગિક સાયન્સ (BNYS)નો અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. મેડિકલ એજ્યુકેશન ઍન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ (MEDD)એ કોલ્હાપુરમાં એક નવી સરકારી કૉલેજને મંજૂરી આપી છે. આ કૉલેજમાં BNYSની ૬૦ સીટ હશે. એ ઉપરાંત સાતારા અને છત્રપતિ સંભાજીનગરમાં પણ બે પ્રાઇવેટ કૉલેજ શરૂ કરવાની યોજના છે. અત્યારના ૨૦૨૪-’૨૫ના ઍકૅડેમિક વર્ષમાં મોડું થયું હોવા છતાં રાજ્ય સરકારે રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઍડ્મિશન આપવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્ર સરકારે BNYSને પ્રોફેશનલ જાહેર કર્યો છે એટલે મહારાષ્ટ્ર કૉમન એન્ટ્રન્સ એક્ઝામ (MAH CET) સેલ દ્વારા ઍડ્મિશનની પ્રોસેસ આયોજિત કરવામાં આવશે. આ કોર્સમાં PCB સાથે HSC પાસ કર્યું હોય અને NEET-UG 2024ની પરીક્ષા આપી હોય એવા જ વિદ્યાર્થીને ઍડ્મિશન આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં નૅચરોપથી ઍન્ડ યોગિક સાયન્સમાં ડિપ્લોમા કોર્સ ઉપલબ્ધ છે, પણ હવે ડિગ્રી કોર્સની શરૂઆત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર યુનવિર્સિટી ઑફ હેલ્થ સાયન્સિસ (MUHS) સંલગ્ન ઇન્સ્ટિટ્યૂટ્સના માધ્યમથી આ કોર્સ ઑફર કરશે. લોનાવલાના કૈવલ્યધામ યોગ ઇન્સ્ટિટ્યૂટ અને આયુર્વેદના એક્સપર્ટ્સ દ્વારા એનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સની ડિગ્રી મેળવ્યા બાદ મૉડર્ન મેડિસિનમાં પ્રૅક્ટિસ નથી કરી શકાતી એટલે એનો સમાવેશ આયુષની અંદર કરવામાં આવ્યો છે.