ખાડાએ મુલુંડના ગુજરાતી યુવાનને પહોંચાડી દીધો હૉસ્પિટલમાં, ચાર મહિના કરવો પડશે આરામ

09 June, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ  ઘટના બાદ ફરી એક વાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કામની બેદરકારી સામે આવી છે.

દીપક જોશીનો હૉસ્પિટલમાં ઇલાજ ચાલી લઈ રહ્યો છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડી રહેલા વરસાદ બાદ મુંબઈના અનેક વિસ્તારના રસ્તાઓની પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ છે. ઠેર-ઠેર રસ્તાઓ પર ખાડા પડી જતાં અકસ્માતની સંખ્યા પણ વધી રહી છે ત્યારે મુલુંડ-વેસ્ટના દેવીદયાલ રોડ પર રહેતો ૩૫ વર્ષનો દીપક જોશી ગુરુવારે સાંજે છોકરાને ટ્યુશને મૂકવા જઈ રહ્યો હતો ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ પર પડેલા ખાડાને કારણે તેનો ગંભીર અકસ્માત થયો હતો. ઘટના બાદ તેને નૅશનલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો જ્યાં તેની પગની સર્જરી કરીને રૉડ નાખવામાં આવ્યો હતો. આ  ઘટના બાદ ફરી એક વાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કામની બેદરકારી સામે આવી છે.

દીપકભાઈનાં મમ્મી નીતાબહેન જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીપક તેની પત્ની સાથે પુત્રને ટ્યુશન ક્લાસિસમાં ઍ​ક્ટિવા પર મૂકવા જઈ રહ્યો હતો. એ સમયે વરસાદ ચાલુ હોવાથી તે ઍક્ટિવા ધીમે જ ચલાવી રહ્યો હતો. દરમ્યાન મુલુંડના L. B. S. રોડ પરના સંતોષીમાતા મંદિર નજીક પડેલા ખાડામાં ઍક્ટિવાનું વ્હીલ અટકી જતાં તેનું બૅલૅન્સ ગયું હતું અને દીપક અને તેની પત્ની જમીન પર પટકાયાં હતાં. જોકે એ સમયે પાછળથી કોઈ ભારે વાહન ન આવતાં બન્નેનો જીવ બચી ગયો હતો, પણ દીપકને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી એટલે તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો જ્યાં તેના પગની સર્જરી કરવામાં આવી હતી. હજી તેના ખભાનો ઇલાજ બાકી છે. એ ટૂંક સમયમાં કરવામાં આવશે અને ડૉક્ટરના કહેવા પ્રમાણે તેને ત્રણ-ચાર મહિના સખત આરામ કરવો પડશે. દીપક હૉસ્પિટલમાંથી ઘરે આવી જાય પછી હું આ સંબંધે BMC અને પોલીસ વિભાગને ફરિયાદ કરીશ.’

mumbai news mumbai mulund gujaratis of mumbai gujarati community news brihanmumbai municipal corporation