22 April, 2025 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જીવન ટૂંકાવનારી બીડની સાક્ષી કાંબળે.
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ૨૦ વર્ષની સાક્ષી કાંબળે નામની યુવતીએ તેના મામાના ધારાશિવ જિલ્લાના ગામમાં આવેલા ઘરમાં જઈને ૧૪ માર્ચે આત્મહત્યા કરી લીધી હતી. પોતાના વિસ્તારના યુવકો સતત છેડતી કરીને બ્લૅકમેઇલ કરતા હોવાથી ઍરહોસ્ટેસ બનવા માગતી સાક્ષીએ જીવન ટૂંકાવ્યું હોવાનું બાદમાં જણાઈ આવ્યું હતું. આ ઘટનાને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે ત્યારે ન્યાય મેળવવા માટે સાક્ષી કાંબળેની મમ્મીએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખ્યો છે. સાક્ષીનાં ૨૦ એપ્રિલે લગ્ન હતાં.
સાક્ષી કાંબળેની મમ્મીએ બે દિવસ પહેલાં એકનાથ શિંદેને લખેલા પત્રમાં લખ્યું હતું કે ‘સાહેબ, હું તમારી લાડકી બહેન છું. આમ્હાલા ન્યાય દ્યા. મારી પુત્રી સાક્ષી ઍરહોસ્ટેસ બનવા માગતી હતી. અમારા વિસ્તારના કેટલાક યુવકોએ સાક્ષીની છેડતી કરવાની સાથે તેને બ્લૅકમેઇલ કરતાં સાક્ષીએ આત્મહત્યા કરી લીધી છે. તમારી ભાણેજ સાક્ષી હવે આ દુનિયામાં નથી અને તે પાછી નહીં આવે. સાક્ષીને પરેશાન કરનારા ક્રૂર નરાધમો બિન્દાસ ફરી રહ્યા છે. તેમને શિક્ષા થવી જોઈએ. બહેન-દીકરીઓની સુરક્ષાને તમે હંમેશાં પ્રાથમિકતા આપો છો. આથી અમને ન્યાય અપાવશો એવી અપેક્ષા છે.’
સાક્ષી કાંબળેની મમ્મીએ એકનાથ શિંદેને ન્યાય મેળવવા માટે પત્ર લખ્યા બાદ બીડની પોલીસ સક્રિય બની ગઈ છે અને એણે કેટલાક લોકોને સાક્ષીના મૃત્યુના મામલે તાબામાં લઈને પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.