સાંતાક્રુઝની ૧૨ વર્ષની ગુજરાતી છોકરી ગુસ્સામાં ઘર છોડીને અમદાવાદ પહોંચી ગઈ

09 June, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા ભાઈએ હાથમાંથી મોબાઇલ આંચકી લીધો એટલે રીસ ચડી: જોકે સતર્ક રેલવે પોલીસની મદદથી તેને પરિવારને પાછી સોંપવામાં આવી

અમદાવાદ રેલવે-સ્ટેશન પરથી મળી આવેલી ગુજરાતી છોકરી.

મોટા ભાઈએ જબરદસ્તીથી હાથમાંથી મોબાઇલ ખેંચી લેતાં રોષે ભરાયેલી ૧૨ વર્ષની ગુજરાતી છોકરી ગુરુવારે ઘરેથી નાસીને અમદાવાદ રેલવે-સ્ટેશન પર પહોંચી ગઈ હતી. જોકે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના સતર્ક અધિકારીની મદદથી ગઈ કાલે સાંજે કિશોરીને પાછી મુંબઈ લાવવામાં આવી હતી. આ મામલે સાંતાક્રુઝ પોલીસે શુક્રવારે કિડનૅપિંગની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.

સાંતાક્રુઝ-વેસ્ટમાં રહેતી છોકરીના પિતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે સાંજે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી મારી દીકરીને સતત મોબાઇલ લઈને બેસેલી જોઈને મારા મોટા દીકરાએ તેના હાથમાંથી મોબાઇલ ખેંચી લઈને અભ્યાસ કરવાની સૂચના આપી હતી. એનાથી ઉશ્કેરાઈને નીચે જઈને આવું છું એમ કહીને મારી દીકરી ઘરેની નીકળી ગઈ હતી. ત્યાર બાદ કલાકો સુધી તે પાછી ન ફરતાં મોડી રાતે મેં સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મારી દીકરી પાસે માત્ર ૨૦ રૂપિયા હતા જે તેણે મારી પાસેથી સવારે લીધા હતા. તેની પાસે મોબાઇલ ન હોવાથી તેને શોધવી ખૂબ જ મુશ્કેલ સાબિત થયું હતું. જોકે શુક્રવારે સાંજે મને અમદાવાદ રેલવે પોલીસે માહિતી આપી હતી કે મારી દીકરી ત્યાં પહોંચી ગઈ છે એટલે તાત્કાલિક મેં મારા નજીકના સગાને ત્યાં મોકલીને મારી દીકરીને પાછી મેળવી લીધી છે.’

અમદાવાદ RPFના સિનિયર ઇન્સ્પેક્ટર વિક્રમ સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે અમારા અધિકારી દ્વારા પ્લૅટફૉર્મ પર તપાસ કરવામાં આવી રહી હતી એ સમયે લોકશક્તિ ટ્રેન નજીકથી અમને ૧૨ વર્ષની કિશોરી મળી આવી હતી. તેની સાથે કોઈ નહોતું. તેના હાવભાવ પરથી અમને શંકાસ્પદ લાગતાં અમે તેની પૂછપરછ કરી હતી. ત્યારે કિશોરી બોલવાની હાલતમાં નહોતી એટલે તેને ચોકી પર લાવીને મહિલા અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેણે ઘરેથી ભાગીને આવી હોવાની કબૂલાત કરી હતી. અંતે અમે તેના પરિવારનો સંપર્ક કરી તેમને કિશોરીને પાછી સોંપી દીધી છે.’

mumbai news mumbai santacruz ahmedabad mumbai police