કૌન બનેગા સીએમ?

27 October, 2019 07:54 AM IST  |  મુંબઈ

કૌન બનેગા સીએમ?

દેવેન્દ્ર ફડણવીસ, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે

વિધાનસભાની ચૂંટણી પછી શિવસેનાએ ફિફ્ટી-ફિફ્ટી ફૉર્મ્યુલા માટે આક્રમક વલણ અખત્યાર કરતાં બીજેપીના પ્રમુખ અમિત શાહ દિવાળી પછી મુંબઈ આવે એવી શક્યતા છે. ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેના બાંદરાના નિવાસસ્થાન ‘માતોશ્રી’માં નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની યોજાયેલી બેઠકમાં બીજેપી સાથે સત્તાની સમાન ભાગે વહેંચણીની માગણી પર મક્કમ રહેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શિવસેનાની માગણીઓમાં મુખ્ય પ્રધાનપદે બન્ને પક્ષોના નેતાઓ અઢી-અઢી વર્ષ રહે, કેન્દ્રમાં કૅબિનેટ કક્ષાનું પ્રધાનપદ અને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં છૂટછાટના મુદ્દાનો સમાવેશ છે.

બીજેપી માટે પરિસ્થિતિ મુશ્કેલ બને એવી શક્યતા છે અને એનું કારણ એટલું જ કે હવે ભગવી યુતિના એક ભાગીદાર પક્ષના નેતા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ગઈ કાલે કહ્યું હતું કે બીજેપીએ મુખ્ય પ્રધાનપદની માગણી ‌સંદર્ભે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. જો કે દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ બીજેપીના દિવાળીના સ્નેહ સમ્મેલનમાં ઉદ્ધવ ઠાકરેના દબાણને અવગણીને મહારાષ્ટ્રમાં પાંચ વર્ષ સુધી બીજેપીના નેતૃત્વમાં મહાયુતિની સરકાર રહેવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાંચ વર્ષ માટે મુખ્ય પ્રધાન એક જ રહેશે.

શુક્રવારે બીજેપીના પ્રમુખ અને કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરીને દિવાળી પછી મુંબઈ આવવાના હોવાનું જણાવ્યું હતું. આ સમાચાર આધારભૂત સૂત્રોએ આપ્યા હતા. જોકે અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેની ટેલિફોન પર વાતચીતના સમાચારને શિવસેના કે બીજેપી તરફથી કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. આધારભૂત સૂત્રોએ જણાવ્યા પ્રમાણે શુક્રવારે ફોન પર બન્ને નેતાઓએ વિધાનસભાની ચૂંટણીમાં વિજય બદલ એકબીજાને અભિનંદન અને દિવાળીની શુભેચ્છા આપવા સિવાય અન્ય વિષયોની વધુ ચર્ચા કરી નહોતી અને અમિત શાહે દિવાળી પછી મુંબઈ આવવાના હોવાનું જણાવ્યું હતું. અમિત શાહ મુંબઈ આવે ત્યારે દરેક મુદ્દે નક્કર વાટાઘાટોની અપેક્ષા રાખવામાં આવે છે.

શિવસેના ફિફ્ટી-ફિફ્ટીના મુદ્દે જરાય નમતું જોખવા તૈયાર નથી અને એના વિધાનસભ્ય અબ્દુલ સત્તારનું કહેવું છે કે આદિત્ય ઠાકરે જ બનવા જોઈએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન.

અબ્દુલ સત્તારે વધુમાં જણાવ્યું હતું કે ‘ફિફ્ટી-ફિફ્ટીની ફૉર્મ્યુલાનો અમલ અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ જ કરશે એવી અમને ખાતરી છે. જો તેઓ અમારી વાત નહીં માને તો અમારે બીજો વિકલ્પ વિચારવો પડશે. હા, અમે બીજો વિકલ્પ તૈયાર રાખ્યો છે.’

શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે માતોશ્રીમાં બેઠકના સમાપન બાદ જણાવ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણી વખતે ઉદ્ધવ ઠાકરેની બીજેપીના પ્રમુખ અમિત શાહ સાથેની બેઠકમાં મહારાષ્ટ્રમાં સત્તાની સમાન વહેંચણીની ખાતરી આપી હોવાથી અમે મુખ્ય પ્રધાનપદે અઢી વર્ષ બીજેપીના અને અઢી વર્ષ શિવસેનાના નેતાને બેસાડવાની માગણી કરી છે. અમારી માગણી બાબતે બીજેપી તરફથી લેખિત પત્ર મળ્યા વગર શિવસેના આગળ નહીં વધે.’

બીજેપીના નેતા અને સંસદસભ્ય રાવસાહેબ દાનવેએ જણાવ્યું હતું કે ‘દિવાળી પછી શિવસેના અને બીજેપીના નેતાઓની બેઠક યોજાશે. એ બેઠકમાં સત્તાસ્થાપનાની ચર્ચા કરવામાં આવશે અને ફૉર્મ્યુલા પણ નક્કી કરવામાં આવશે. સત્તામાં મોટો ભાઈ કોણ અને નાનો ભાઈ કોણ એ ક્ષમતા પર આધાર રાખે છે છતાં ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. દરેક પક્ષમાં કાર્યકરોની માગણી હોય છે, એવી માગણી શિવસેના તરફથી પણ કરવામાં આવી છે.’

૩૦મીએ મુંબઈમાં બીજેપી અને એનસીપીની બેઠક

દિવાળીની પૂર્ણાહુતિ સાથે મહારાષ્ટ્રમાં રાજકીય પ્રવૃત્તિઓ ઝડપી બનશે. બીજેપીએ દિવાળી પછી ૩૦ ઑક્ટોબરે બપોરે ૧ વાગ્યે વિધાનસભ્યોની બેઠક યોજી છે. વિધાનભવનમાં બીજેપીના કાર્યાલયમાં નવા ૧૦૫ વિધાનસભ્યોની બેઠક યોજાઈ હોવાનું બીજેપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલે જણાવ્યું હતું.

૨૧ ઑક્ટોબરે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપીને ૫૪ બેઠકો મળી હતી. બેઠકોની સંખ્યામાં બીજેપી અને શિવસેના પછીના ક્રમે એનસીપી હોવાથી એ સૌથી મોટો વિરોધ પક્ષ બન્યો છે. એ સંદર્ભમાં પક્ષના વિધાનમંડળ જૂથના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ચૂંટવા જેવી ઔપચારિકતાઓ પાર પાડવાની ચર્ચા માટે ૩૦ ઑક્ટોબરે રાખવામાં આવી છે.

mumbai news mumbai indian politics shiv sena devendra fadnavis uddhav thackeray aaditya thackeray bharatiya janata party