ઉદ્ધવ ઠાકરેની ખુરસી બચી ગઈ, શિવસેનાએ કેન્દ્રનો આભાર માન્યો

02 May, 2020 07:51 AM IST  |  Mumbai Desk | Dharmendra Jore

ઉદ્ધવ ઠાકરેની ખુરસી બચી ગઈ, શિવસેનાએ કેન્દ્રનો આભાર માન્યો

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે ૬૧મા મહારાષ્ટ્ર દિન નિમિત્તે ફ્લોરા ફાઉન્ટન પાસે આવેલા હુતાત્મા ચોક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

બીજેપી અને શિવસેના વચ્ચે પાછલે બારણેથી કરાયેલી વાતચીતને લીધે ઉદ્ધવ ઠાકરે માટે રાજ્યની વિધાન પરિષદમાં સામેલ થવાનો રસ્તો સરળ બન્યો છે. ચૂંટણી પંચે ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ખાલી પડેલી ૯ બેઠક માટે ૨૧ મેએ ચૂંટણી યોજવાની જાહેરાત કરવાથી આ શક્ય બન્યું છે. ઉદ્ધવ ઠાકરેએ ૨૭ મે પહેલાં બન્નેમાંથી કોઈ પણ એક વિધાનસભાના સભ્ય બનવું જરૂરી છે. ઉદ્ધવ ઠાકરેની મુખ્ય પ્રધાનની ખુરસી જાય એ માટે કાવતરું ઘડવાની અને આ બાબતે રાજકારણ કરાઈ રહ્યું હોવાના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પર આરોપ મુકાયા બાદ તેમણે ઉદ્ધવ ઠાકરેને નોમિનેશન આપવાની ના પાડી દીધી હતી. આથી ઉદ્ધવ ઠાકરેએ બીજેપીના ટોચના નેતાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાતચીત કરતાં ગઈ કાલે ચૂંટણીની જાહેરાત કરાઈ હતી.

શિવસેનાના સત્તામાં ભાગીદારો કૉન્ગ્રેસ અને એનસીપીને ગઈ કાલની અપડેટથી મૅસેજ ગયો છે કે હજી પણ બીજેપી શિવસેના પ્રત્યે કૂણું વલણ રાખે છે. ગઈ કાલના અપડેટથી વિરોધીઓ દ્વારા એવો પણ અર્થ કઢાઈ રહ્યો છે કે કોરોનાના સંકટ સમયે જો સરકાર તૂટી પડશે તો જનતાનો આક્રોશ સહન કરવાના ડરથી બીજેપીએ આ રસ્તો અપનાવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉદ્ધવ ઠાકરેએ બે દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને માહિતી આપી હતી કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કૅબિનેટે નોમિનેટેડ મેમ્બર બનાવવાની ભલામણ ફગાવી દીધી છે.

સૂત્રોના કહેવા મુજબ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ચૂંટણી પંચને લૉકડાઉનમાં છૂટછાટ અપાય ત્યારે ચૂંટણીનું આયોજન કરવા બાબતનો પત્ર લખ્યો હતો. ઉદ્ધવ ઠાકરે તથા કૉન્ગ્રેસ અને એનસીપીએ પણ આવી માગણીની અરજી રાજ ભવનમાં મોકલી હતી. જો કે રાજ્યપાલે ચૂંટણી યોજવા બાબતની માહિતી પત્રકારોને આપી દીધી હતી. ચૂંટણી પંચે ૨૧ મેએ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ખાલી બેઠકોની ચૂંટણીની જાહેરાત કરી છે. ૨૮૮ વિધાનસભ્યોના ગૃહમાં ૨૪ એપ્રિલે ૯ બેઠક ખાલી થઈ હતી. ૪ મેએ નોટિફિકેશન બહાર પડાશે અને ૧૧ મે સુધી ઉમેદવારી પત્રક ભરવાના રહેશે. સિક્રેટ મતદાન બાદ સવારે ૯થી ૪ વાગ્યા દરમ્યાન મતોની ગણતરી કરાશે. ૨૬ મેએ ચૂંટણીની પ્રક્રિયા પૂરી થશે.

કદાચ ચૂંટણીની જરૂર નહીં પડે, કારણ કે ૯ બેઠકમાંથી ચાર બીજેપીને તો પાંચ સત્તાધારી મહાવિકાસ આઘાડીને જવાની શકયતા હોવાથી એટલા જ ઉમેદવારીપત્રક ભરાશે. શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારનો આભાર માનતા કહ્યું હતું કે ‘આજની સંકટની ઘડીમાં રાજકીય અફવાનો અત્યારના ડેવલપમેન્ટથી અંત આવ્યો છે. આપણે અત્યારે કોરોના સામેની લડત લડી રહ્યા છીએ ત્યારે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચે રાજકીય સંકટમાંથી મહારાષ્ટ્રને ઉગારી લીધું છે.’

maharashtra shiv sena uddhav thackeray