ઉદ્ધવનો હુંકાર, મહારાષ્ટ્રમાં ફરી પાછો ભગવો લહેરાશે

09 October, 2019 12:59 PM IST  |  મુંબઈ

ઉદ્ધવનો હુંકાર, મહારાષ્ટ્રમાં ફરી પાછો ભગવો લહેરાશે

ઉદ્ધવ ઠાકરેએ શિવાજી પાર્કમાં શિવસેનાની ૫૩મી રૅલીને સંબોધી હતી. તસવીર : આશિષ રાણે.

વિધાનસભાની ચૂંટણીમાં જેમને ટિકિટ મળી નથી તેમની હું આ મંચ પરથી માફી માગું છું. પરિસ્થિતિ કોઈ પણ હોય, મને સત્તા જોઈએ છે. હું વિધાનસભા પર ભગવો ફરકાવવા નીકળ્યો છું. હું સત્તામાં હતો અને આવતી કાલે પણ સત્તામાં રહીશ, એવું બોલીને મહારાષ્ટ્રમાં ફરી એક વાર યુતિનો ભગવો લહેરાશે એવો આત્મવિશ્વાસ શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવાજી પાર્કમાં દશેરા પ્રસંગે યોજાયેલા મેળાવડામાં વ્યક્ત કર્યો હતો.

શિવાજી પાર્કમાં ગઈ કાલે મેળાવડામાં ભેગા થયેલા લોકોને એવું વચન આપ્યું હતું કે મહારાષ્ટ્રમાં તમામ ઠેકાણે ૧૦ રૂપિયામાં સારામાં સારું ભોજન પીરસતી થાળી ઉપલબ્ધ થશે. ૩૦૦ યુનિટ સુધીની વીજળીનો દર ૩૦ ટકા સુધી ઓછો કરીશું અને સુદૃઢ મહારાષ્ટ્ર ઘડવા માટે એક રૂપિયામાં ગામેગામ આરોગ્ય ટેસ્ટિંગ કેન્દ્રો ઊભાં કરીશું.

પાંચ વર્ષમાં સરકારને તોડવાનો પ્રયાસ કર્યો નથીઃ ઉદ્ધવ ઠાકરે

શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘અમે પાંચ વર્ષ સુધી સરકારમાં રહ્યા છતાં શિવસેનાએ ક્યારેય સાથી પક્ષને દગો દીધો નથી અને સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો નથી. ગઠબંધનમાં બન્ને પક્ષોએ સાવધાની રાખવાની હોય છે અને એમાં જો બિનજરૂરી રીતે ગતિ વધારવામાં આવે તો ‘અકસ્માત થવાની સંભાવના રહે છે.’

આ પણ વાંચો : મુંબઈ: લખપતિ ભિખારીના શબ અને રૂપિયા પર પાંચ જણનો દાવો

શિવસેનાના મુખપત્ર ‘સામના’માં પ્રગટ થયેલી મુલાકાતના બીજા ભાગમાં ઉદ્ધવ ઠાકરેએ આરે કૉલોનીમાં વૃક્ષો કાપવા સામે વિરોધ બાબતે જણાવ્યું હતું કે ‘શિવસેના મેટ્રો કારશેડ બાંધવાના વિરોધમાં નથી, પરંતુ એને માટે પસંદ કરવામાં આવેલા સ્થળની વિરુદ્ધ છે. જનતાની હાલાકી વધારીને વિકાસ કરવો વાજબી નથી.’

mumbai uddhav thackeray shiv sena