મુંબઈ: ત્રીજા દિવસે પણ યથાવત બેસ્ટની હડતાળ

11 January, 2019 07:56 AM IST  |  મુંબઈ | Mamta Padia

મુંબઈ: ત્રીજા દિવસે પણ યથાવત બેસ્ટની હડતાળ

પ્રતીકાત્મક તસવીર

ટ્રાન્સપોર્ટમાં સર્જાતી કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે BMCએ સમયાંતરે યોગ્ય પગલાં નહીં ભર્યાં હોવાનો આક્ષેપ બેસ્ટના ઍક્ટિવિસ્ટ અને એક્સપર્ટે કર્યો હતો. ગઈ કાલે ત્રીજા દિવસે પણ બેસ્ટના કર્મચારીઓએ ડેપોમાંથી બસ બહાર કાઢી નહોતી. બેસ્ટની સર્વિસિસને વધુ સારી કરવા માટે માળખાકીય સુવિધાને અપગ્રેડ અને રોકાણ કરવાનું સૂચન બેસ્ટ ઍક્ટિવિસ્ટ અને એક્સપર્ટે‍ આપ્યું હતું. ગઈ કાલે ત્રીજા દિવસે પણ બેસ્ટના કર્મચારીઓની હડતાળ યથાવત્ રહેતાં પ્રવાસીઓને હાલાકી વેઠવી પડી હતી. જોકે ખાનગી બસ, સ્કૂલબસ, કંપનીની માલિકીની બસ અને અન્ય વાહનોમાં પ્રવાસીઓને પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. બીજી તરફ કર્મચારીઓને ઘર ખાલી કરવાની નોટિસો આપવામાં આવી હોવાથી કર્મચારીઓના પરિવારજનોએ ગઈ કાલે વડાલા ડેપોની બહાર ધરણાં અને વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં.

પગારવધારાથી માંડી BMCમાં બજેટને આવરી લેવા જેવી વિવિધ માગણીઓને લઈને મંગળવારથી બેસ્ટના ૩૨,૦૦૦ કર્મચારીઓ બેમુદત હડતાળ પર ઊતર્યા છે, જેને પગલે મુંબઈગરાને હેરાનગતિ થઈ રહી છે ત્યારે બીજી બાજુ બેસ્ટને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. ટ્રાન્સર્પોટ ઍક્ટિવિસ્ટ અને ભૂતપૂર્વ પત્રકાર વિદ્યાધર દાતેએ BMC કમિશનર અજોય મેહતાને પત્ર લખીને સિવિક બૉડી આ હડતાળને રોકી શકે છે અને પ્રવાસીઓની હાલાકીને ઓછી કરી શકે છે એમ જણાવ્યું હતું. આમચી મુંબઈ આમચી બેસ્ટ વતી વિદ્યાધર દાતેએ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે બેસ્ટના બજેટને BMC સાથે ભેગું કરી દેવાની કર્મચારીની મુખ્ય માગણી પર ધ્યાન આપવું જોઈએ. હેલ્થકૅર, એજ્યુકેશન, પાણીપુરવઠો, કચરાનો નિકાલ અને સિવેજ, જાહેર ટ્રાન્સર્પોટની સર્વિસમાં નફો ન મળે. એક જ સમયે BMCએ બસના રૂટ ઓછા કરી દીધા છે. દરમ્યાન બસનાં ભાડાં પણ વધારવામાં આવ્યાં છે અને કર્મચારીઓની રકમ પણ નથી ચૂકવતા. ગત પાંચ વર્ષમાં ૧૮ ટકા રૂટ ઓછા કરવામાં આવ્યા હતા.’

દરમ્યાન હડતાળ પર ઊતરેલા બેસ્ટના કર્મચારી વિરુદ્ધ મેસ્મા અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે. હડતાળને ટેકો આપતા કર્મચારીઓને બેસ્ટ વસાહતનાં ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે બેસ્ટના કર્મચારી અને પરિવાર રોષે ભરાયા છે. અંતરિયાળ મહારાષ્ટ્રની મુલાકાતે ગયેલા ઉદ્ધવ ઠાકરે આજે પાછા ફરે ત્યારે હડતાળ બાબતે યુનિયનના પદાધિકારીઓ તેમને મળવાના છે.

mumbai news wadala shiv sena raj thackeray