મુંબઈ : પોલીસને રમાડી પકડાપકડી

08 January, 2019 09:32 AM IST  |  | Mamta Padia

મુંબઈ : પોલીસને રમાડી પકડાપકડી

પ્રતીકાત્મક તસવીર

પાયધુની વિસ્તારમાં આવેલી લાકડાની દુકાનમાંથી દુર્લભ અને સુગંધી ગણાતા લાખો રૂપિયાના અગર લાકડાની ચોરી કરનાર ગઠિયાએ રમેલી એક મહિનાની પકડાપકડીની રમત બાદ આખરે તેને શિવડીના ગોડાઉનમાંથી માલ સાથે પોલીસે પકડ્યો હતો. છ મહિના પહેલાં દુકાનમાંથી નોકરી છોડ્યા બાદ ત્યાં જ હાથફેરો કરીને ભાગી ગયેલા રશીદ મતિઉર પોલીસની જાળમાં ફસાયો હતો. રશીદ મતિઉરે ચોરી કરતા સમયે એક પણ પુરાવો છોડ્યો નહોતો, પરંતુ એક પછી એક કડી જોડીને અને વિવિધ રાજ્યમાં ફરીને તેને છેવટે મુંબઈથી પકડ્યો હતો.

રશીદ મતિઉર થોડા સમય પહેલાં દુકાનના માલિકને મYયો હતો અને ૧૪ કિલો અગરનું લાકડું માર્કેટમાં સારી કિંમતે વેચાવી દેવાનો પ્રસ્તાવ રાખ્યો હતો એમ જણાવીને પાયધુની પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર લીલાધર પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જોકે દુકાનમાલિકે અગરનું લાકડું વેચવાની સ્પષ્ટ મનાઈ કરી હતી. ૨૦૧૮ની ૧ ડિસેમ્બરની મધરાતે પાયધુનીની દુકાનનાં તાળાં તોડીને ૨૧,૨૫,૦૦૦ રૂપિયાનું ૧૪.૭૨૦ કિલોગ્રામ અગરનું લાકડું ચોરાયું હોવાની ફરિયાદ અમને મળી હતી. અમે દુકાનના CCTV કૅમેરાના ફુટેજની તપાસ કરી હતી. એમાં ચોરી કરનાર દેખાયો હતો, પરંતુ તેણે મોઢું ઢાંકેલું હતું. તેની હાઇટ અને બૉડી-લૅન્ગ્વેજ પરથી તે દુકાનનો જૂનો નોકર હોવાની જાણ થઈ હતી. રશીદ વિશે પૂછપરછ કરવા અમે તેના સરનામે પહોંચ્યા ત્યારે જાણ થઈ હતી કે ચોરી થઈ ત્યારથી તે પણ ગુમ છે. ખબરી નેટવર્કના આધારે તેને શોધવા માટે બે ટીમની રચના કરવામાં આવી હતી. એક ટીમ મારી હતી અને બીજી ટીમ ઇન્સ્પેક્ટર પ્રવીણ ફડતરેની હતી. સૌપ્રથમ જાણ થઈ કે રશીદ બૅન્ગલોરમાં છે. ત્યાં ટીમ મોકલી પણ તે ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ કેરળ ગયો અને તેણે પોતાનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કરી દીધો હતો.

આ પણ વાંચો : અફઝલ ખાન-ઔરંગઝેબને પણ અમે પટકી પાડ્યા હતા, મહારાષ્ટ્રીયનોને ઓછા ન સમજશોઃ સંજય રાઉત

કેરળથી મણિપુર અને ત્યાંથી તે ક્યાં ગયો એ ખબર પડી નહોતી. આઠ દિવસ તપાસ કર્યા બાદ જાણ થઈ કે રશીદ મુંબઈથી કલકત્તા ટ્રેનમાં જઈ રહ્યો છે. અમે એ ટ્રેનમાં તેને શોધ્યો, પણ ન મળ્યો અને તે આસામમાં પોતાના ઘરે ગયો હોવાના સમાચાર મળતાં પ્રવીણ ફડતરેની ટીમને ત્યાં મોકલવામાં આવી હતી. જોકે ત્યાં પણ તે પોલીસને હાથતાળી આપીને ભાગી ગયો હતો. આખરે અમને જાણ થઈ કે તે શિવડીના ગોડાઉનમાં આવ્યો છે. આખી રાત અમે એ ગોડાઉનની આજુબાજુ જાળ બિછાવીને રાખી હતી અને સવારે પાંચ વાગ્યે તેને ૨૧ લાખ રૂપિયાના અગરના લાકડા સાથે પકડ્યો હતો.’

mumbai news Crime News