ઘાટકોપરના ગુજરાતી વૃદ્ધનાં પત્ની પણ કોરોનાની ચપેટમાં

15 March, 2020 09:30 AM IST  |  Mumbai Desk

ઘાટકોપરના ગુજરાતી વૃદ્ધનાં પત્ની પણ કોરોનાની ચપેટમાં

પ્રતીકાત્મક તસવીર

ગુરુવારે રાતે ઘાટકોપર-ઈસ્ટમાં રહેતા ગુજરાતી વૃદ્ધને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યા બાદ ગઈ કાલે તેમનાં પત્ની પણ કોરોના વાઇરસની ચપેટમાં આવ્યા હોવાના અહેવાલ સાંપડ્યા હતા. આ અંગે  પાલિકાના અધિકારીએ કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યું હોવાનું સ્પષ્ટ કર્યું હતું. જોકે એ વૃદ્ધના અન્ય પરિવારજનો પુત્ર-પુત્રવધૂ અને દીકરી-જમાઈને પણ કસ્તુરબા હૉસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યાં છે અને તેઓના લોહીના નમૂનાના અહેવાલની રાહ જોવાઈ રહી છે.

દુબઈનો પ્રવાસ કર્યા પછી પાછા ફરેલા અને ઘાટકોપર-ઈસ્ટમાં આવેલી નીલકંઠ વિહાર સોસાયટીની એક બિલ્ડિંગમાં રહેતા ૬૪ વર્ષના ગુજરાતી વૃદ્ધને કોરોનાનો સંસર્ગ થયો હોવાનું બહાર આવતાં વૃદ્ધ અને તેના પરિવાર સહિત ૧૧ જણને કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ વૃદ્ધનાં પત્નીને પણ કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યું હોવાના અહેવાલ સાંપડી રહ્યા હતા. વૃદ્ધના પરિવારજનોને હૉસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યારે અન્યોને રજા આપી દેવામાં આવી હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસની ચપેટમાં આવેલા ગુજરાતી વૃદ્ધ પાંચમી માર્ચે દુબઈથી પાછા ફર્યા હતા. બે દિવસ પહેલાં તેમની તબિયત અચાનક જ લથડવાને કારણે તેમને હિન્દુજા હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યું હોવાને કારણે તેમને કસ્તુરબા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે ઘાટકોપર એન વૉર્ડના સ્વાસ્થ્ય વિભાગના ભૂપેન્દ્ર પાટીલે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે બે દિવસ પહેલાં નીલકંઠ વિહાર સોસાયટીના વૃદ્ધને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યા બાદ ગઈ કાલે તેમનાં પત્નીના અહેવાલ પણ પોઝિટિવ આવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. અમે બે દિવસ પહેલાં એ સોસાયટીના તમામ સભ્યોને તપાસ્યા હતા અને વૃદ્ધની સાથે સંપર્કમાં આવેલા ૧૪ જણને કસ્તુરબા હૉસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખ્યા હતા. જોકે અન્ય સભ્યોને કોઈ પણ પ્રકારનો ચેપ લાગ્યો ન હોવાથી તેઓને રજા આપી દેવામાં આવી હતી અને હાલમાં વૃદ્ધના પરિવારજનોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

ghatkopar mumbai news mumbai coronavirus