ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ચલાવીને સરકારને કરોડો રૂપિયામાં નવડાવી

12 August, 2019 12:56 PM IST  |  મુંબઈ

ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ચલાવીને સરકારને કરોડો રૂપિયામાં નવડાવી

આરોપી

ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ચલાવવા બદલ શનિવારે ધરપકડ કરવામાં આવેલો ૨૭ વર્ષનો નઝીમ ખાન આ જ પ્રકારના ગુનામાં બીજી વખત પકડાયો છે. પહેલા કેસમાં જામીન પર છૂટ્યા બાદ ચાર-પાંચ મહિનામાં તેણે બીજું ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરી દીધું હતું. બારમા ધોરણમાં ભણતર પડતું મૂકનારો નઝીમ અભ્યાસમાં નબળો હતો. તે રોજીરોટી કમાવા માટે ગોવંડી-માનખુર્દમાં કેબલનો બિઝનેસ કરતો હતો. ત્યાર પછી તેણે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરનો ધંધો શરૂ કર્યો હતો.

કેસની તપાસ કરતાં મહારાષ્ટ્ર પોલીસના ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘નઝીમ કમ્પ્યુટરનો જાણકાર છે. ઇન્ટરનેટ દ્વારા ટૂંકા ગાળામાં નાણાં કમાવાના રસ્તા તે શોધતો રહેતો હતો. એ ખાંખાખોળામાં નઝીમને ‘સિમ-બૉક્સ’ અને ‘સિમ-પુલ’ વિશે જાણવા મળ્યું હતું. એ બે બાબતોના ઊંડા અભ્યાસ પછી નઝીમે ટૂંકા ગાળામાં મબલક પૈસા કમાવા માટે એ બિઝનેસમાં ઊતરવાનું નક્કી કર્યું હતું.’

નઝીમે ચીનના પ્રથમ પ્રવાસમાં સ્વતંત્ર રીતે ટેલિફોન એક્સચેન્જ ચલાવવાની તાલીમ લીધી હતી. ત્યાર બાદ તે અખાતના એક દેશમાં ગયો હતો અને ત્યાં ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ચલાવતા સ્થાનિક લોકોને મળ્યો હતો. એ લોકો સાથે નઝીમે ધંધાદારી સમજૂતી પણ કરી હતી.

નઝીમે તેનું ટેલિફોન એક્સચેન્જ ફુલપ્રૂફ બનાવવા માટે બંગલા દેશની સૉફ્ટવેર કંપનીની મદદથી પોતાનું કૉલિંગ સૉફ્ટવેર બનાવ્યું હતું. તેણે ITL નામની ઍપ્લિકેશન બનાવી અને એ ઍપ્લિકેશન પ્લે-સ્ટોર પર ઉપલબ્ધ કરાવી. નઝીમે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર લાઇસન્સ માટે પણ અરજી કરી હતી, પરંતુ એ લાઇસન્સ મળે એ પહેલાં (૨૦૧૭)માં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને ‍ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડના જૉઇન્ટ ઑપરેશનમાં નઝીમ ઝડપાઈ ગયો હતો.

નઝીમે તેના કાયદેસર અને ગેરકાયદે ધંધા ચલાવવા માટે ૯ ઘર ભાડે લીધાં હતાં. ત્યાંથી તે વાયર્સ વડે ગ્રાહકોને કેબલ અને ઇન્ટરનેટ કનેક્શન્સ આપતો હતો. કેટલાક ઠેકાણે લટકતા કે ઘરોની આસપાસ રખડતા વાયર્સનાં ઝૂમખાં જોઈને કોઈને ત્યાં ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ચાલતું હોવાની શંકા જતાં પોલીસને જાણ કરી હતી.

ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડના નાયબ પોલીસ કમિશનર વિનય રાઠોડે જણાવ્યું હતું કે ‘બાતમી અનુસાર અમે અધિકારીઓ તથા સ્ટાફની ૭ ટીમ બનાવી હતી. એ ૭ ટીમે શિવાજીનગર, ગોવંડી, મસ્જિદ બંદર, ડોંગરી, પનવેલ અને કલ્યાણ મળી પાંચ ઠેકાણે દરોડા પાડીને ૭ જણની ધરપકડ કરી હતી. આરોપીઓ ખાસ કરીને અખાતના દેશોમાંથી આવતા ઇન્ટરનૅશનલ વૉઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકૉલ કૉલ્સ લોકલ મોબાઇલ નંબર્સ દ્વારા જોડતા હતા.

આ પણ વાંચો : આ રક્ષાબંધન પર કરો પ્રકૃતિની 'રક્ષા' અને નિભાવો કુદરત સાથેનું 'બંધન'

આ ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જના કૌભાંડને કારણે ભારત સરકારને ૩૭.૫ કરોડ રૂપિયાનું નુકસાન ગયું હોવાનો અમારો પ્રાથમિક અંદાજ છે. કેસની વધુ તપાસ ચાલી રહી છે. ઇન્ટરનૅશનલ કૉલ્સના દર વધારે હોવાથી સંયુક્ત આરબ અમીરાતના નાગરિકો સસ્તામાં કામ પતાવવા માટે નઝીમે બનાવેલી ઍપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. તેમણે ભારતમાં કૉલ્સ કરવા માટે એ ઍપ્લિકેશન ઍક્ટિવેટ કરવા માટે એક કૉલિંગ કાર્ડ પણ ખરીદવું પડતું.’

mumbai crime news anti-terrorism squad mumbai maharashtra