નાગપુર જિલ્લા પરિષદની ચૂંટણીમાં બીજેપીની હાર ‘આઘાતજનક’ : શિવસેના

11 January, 2020 12:24 PM IST  |  Mumbai

નાગપુર જિલ્લા પરિષદની ચૂંટણીમાં બીજેપીની હાર ‘આઘાતજનક’ : શિવસેના

દેવેન્દ્ર ફ઼ણવીસ

મહારાષ્ટ્રની છ જિલ્લા પરિષદોની ચૂંટણીઓમાં કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ક્ષેત્ર વિદર્ભ પ્રાંતના મથક નાગપુરની જિલ્લા પરિષદની ચૂંટણીમાં બીજેપીના કંગાળ પ્રદર્શન તરફ શિવસેનાએ કટાક્ષ કર્યો હતો. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના ગઈ કાલના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘નાગપુર જિલ્લા પરિષદમાં બીજેપી સત્તામાંથી બહાર ફેંકાઈ જવાની ઘટના સનસનાટીભરી, આઘાતજનક અને નાલેશીભરી છે. મંગળવારે યોજાયેલી છ જિલ્લા પરિષદોની ચૂંટણીઓમાં ધુળેને બાદ કરતાં અન્ય પાંચ જિલ્લામાં બીજેપીનો પરાજય થયો છે.’

ગયા મંગળવારે નાગપુર, અકોલા, વાશિમ, ધુળે, નંદુરબાર અને પાલઘરની જિલ્લા પરિષદોની ૩૩૨ બેઠકો અને એ જિલ્લા અંતર્ગત પંચાયત સમિતિઓની ૬૬૪ બેઠકોની ચૂંટણીઓ યોજાઈ હતી. એ ચૂંટણીઓનાં પરિણામો બુધવારે જાહેર કરવામાં આવ્યાં હતાં. નાગપુર જિલ્લા પરિષદની ૫૮ બેઠકોમાંથી બીજેપીને ૧૫, કૉન્ગ્રેસને ૩૦ અને એનસીપીને ૧૦ બેઠકો મળી હતી.

‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘ધુળે સિવાયના પાંચ જિલ્લામાં કૉન્ગ્રેસ, એનસીપી, શિવસેના અને પ્રકાશ આંબેડકર પ્રણિત વંચિત બહુજન આઘાડીએ ખૂબ સારું પરફોર્મ કર્યું છે. ફડણવીસ અને ગડકરીના ઘરઆંગણે આવો પરાજય નાલેશીભર્યો ગણાય. એ પરિણામો દ્વારા એટલું સમજાય છે કે ગામડાંના લોકો બીજેપીથી કંટાળી ગયા છે. ગયા ઑક્ટોબર મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં નાગપુરમાં કૉન્ગ્રેસનો ખૂબ સારો સ્કોર હતો. હવે કૉન્ગ્રેસે જિલ્લા પરિષદ પણ બીજેપી પાસેથી આંચકી લીધી છે. જો નંદુરબાર તથા અન્ય ઠેકાણે કૉન્ગ્રેસે શિવસેના સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી હોત તો ત્યાં બીજેપીનું નામનિશાન મટી ગયું હોત. જિલ્લા પરિષદોમાં કોઈ પણ પક્ષ શિવસેના જોડે ગઠબંધન વિના સત્તા હાંસલ કરી શકે એમ નથી. નંદુરબારમાં સત્તા ગુમાવવાનો રોષ એટલો બધો હતો કે ત્યાંના અક્કલકુવામાં બીજેપીના ગુંડાઓએ શિવસેનાની કચેરી પર હુમલો કર્યો હતો.’

જોકે નાગપુર જિલ્લા પરિષદ ગુમાવ્યા છતાં મંગળવારની ચૂંટણીમાં કુલ ૩૩૨ બેઠકોમાંથી ૧૦૯ બેઠકો જીતીને બીજેપી ‘સિંગલ લાર્જેસ્ટ પાર્ટી’ બની છે. ૫૬ બેઠકો ધરાવતી નંદુરબાર જિલ્લા પરિષદમાં કૉન્ગ્રેસને ૨૩, બીજેપીને ૨૩ અને અગાઉ ત્યાં એકપણ બેઠક ન ધરાવતી શિવસેનાને ૭ બેઠકો મળી છે.

nagpur mumbai mumbai news bharatiya janata party shiv sena