ટ્રસ્ટના અકાઉન્ટમાંથી 78 લાખ ચોરી કરવાના પ્રયાસમાં ગુજરાતીની ધરપકડ

11 September, 2019 10:34 AM IST  |  મુંબઈ | સમીઉલ્લાહ ખાન

ટ્રસ્ટના અકાઉન્ટમાંથી 78 લાખ ચોરી કરવાના પ્રયાસમાં ગુજરાતીની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલી (ઈસ્ટ)ના શ્રી અશોકગ્રામ જૈન ટેમ્પલ ટ્રસ્ટના બૅન્ક-ખાતામાંથી બનાવટપૂર્વક ૭૮ લાખ રૂપિયાની તફડંચીનો પ્રયાસ કરનારા ટ્રસ્ટના ભૂતપૂર્વ અકાઉન્ટન્ટ દર્શન વિજયકુમાર શાહની સમતાનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ધરપકડ કરી હતી. મંદિરના એક ટ્રસ્ટીની ફરિયાદને આધારે કાંદિવલી (વેસ્ટ)ની મ્હાડા કૉલોનીના રહેવાસી દર્શનને મલાડના લિબર્ટી ગાર્ડન વિસ્તારની સ્ટેટ બૅન્કની શાખામાંથી ઝડપી લીધો હતો.

દર્શને ઘણાં વર્ષો સુધી કાંદિવલી (ઈસ્ટ)ના અશોક ચક્રવર્તી રોડ પરના જૈન દેરાસરમાં અકાઉન્ટન્ટનું કામ કર્યા પછી દોઢેક વર્ષ પહેલાં તેણે નોકરી છોડી હતી. સમતાનગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ગયા શનિવારે ઉક્ત જૈન મંદિરના ટ્રસ્ટીને બૅન્ક તરફથી ફોન પર પૂછવામાં આવ્યું હતું કે તમે ૭૮ લાખ રૂપિયાનો ચેક કોઈને આપ્યો છે? પરંતુ ટ્રસ્ટીને એ બાબતનો ખ્યાલ ન હોવાથી અન્ય ટ્રસ્ટીઓને પૂછ્યું હતું. બધા ટ્રસ્ટીઓએ ના પાડ્યા પછી બૅન્કના અધિકારીને કહ્યું હતું કે અમે એ રકમનો કોઈ ચેક કોઈને આપ્યો નથી. ત્યાર પછી તે ટ્રસ્ટીએ બૅન્કના અધિકારીને ચેક વટાવવા ગયેલા માણસને સોમવારે પાછો બોલાવવાનું કહ્યું હતું. ત્યાર પછી તે ટ્રસ્ટીએ બૅન્કની ઘટનાની સમતાનગર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

આ પણ વાંચો : પ્રકાશ બોરીચાને 22,૦૦૦ વૉલ્ટનો શૉક લાગ્યો હોવા છતાં બચી ગયા...

પોલીસ અધિકારીઓએ સોમવારે બૅન્કની બહાર છટકું ગોઠવ્યું હતું. દર્શન ચેક વટાવવા પહોંચ્યો ત્યારે પોલીસે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે કરેલી પૂછપરછના જવાબમાં દર્શને કહ્યું હતું કે ‘હું ટ્રસ્ટમાં નોકરી કરતો હતો ત્યારે નવી ચેકબુકના રિક્વિઝિશન ફોર્મ પર ટ્રસ્ટીઓની સહીઓ લીધી હતી. નોકરી છોડ્યા પછી તરત ચેકબુક માટેનું રિક્વિઝિશન ફોર્મ બૅન્કમાં સુપરત કરીને ચેકબુક મેળવી હતી. ત્યાર પછી ટ્રસ્ટીઓની સહીઓની ફોર્જરી કરીને તેણે ૭૮ લાખ રૂપિયાનો ચેક બૅન્કમાં આપ્યો ત્યારે એના અધિકારીઓને કઈક ગરબડ જણાતાં ટ્રસ્ટીઓને પૂછપરછ કરી હતી. ત્યાર પછી આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.

mumbai news kandivli mumbai crime news Crime News