મુંબઈ: ડોંગરી ચિલ્ડ્રન્સ હોમના આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર આપી ધમકી

23 July, 2019 07:36 AM IST  |  મુંબઈ | સમીઉલ્લાહ ખાન

મુંબઈ: ડોંગરી ચિલ્ડ્રન્સ હોમના આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર આપી ધમકી

પ્રતીકાત્મક તસવીર

પોતાની સાથે ડેટ પર આવવાની ના પાડનાર છોકરીને ૨૯ જૂનના રોજ આરે કોલોનીની એક ઉંચી ઇમારત પરથી નીચે ફેંકી હત્યા કરવાના આરોપસર ડોંગરીના ચિલ્ડ્રન્સ હોમમાં સજા કાપી રહેલા ૧૬ વર્ષના છોકરાએ ૨૦ જુલાઈએ તેના ભાઈના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો અપલોડ કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે ‘ક્યા બોલતી આરે કી પબ્લિક! બચ જાયેંગે, ટેન્શન મત લો. એક દિન અપુન ભી છુટ કે આયેગા બાહર.’

મરનાર છોકરીની મમ્મીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારા પરિવાર અને સંબંધીઓને આરોપીના પરિવારજનો તરફથી ધમકીભર્યા સંદેશાઓ મળી રહ્યાં છે, જેમાં તેઓ અમને ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરી રહ્યાં છે. આ સંબંધે અમે આરે પોલીસને ફરિયાદ કરી છે પરંતુ તે આ બાબતને ગંભીરતાથી નથી લઈ રહ્યાં. અમારો પરિવાર પહેલાથી જ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે એમાં ઇન્સ્ટાગ્રામ પરના આ વિડિયોએ અમારા જીવ ઉંચા કરી દીધા છે.’ જોકે આરે પોલીસ સ્ટેશનના અધિકારીઓ જણાવે છે કે તેમને આવા કોઈ વિડિયોની જાણકારી નથી. સંબંધિત અધિકારીઓ જરૂરી પગલાં લેશે.

આ પણ વાંચો : વીડિયો: બાન્દ્રામાં આવેલી MTNLની બિલ્ડીંગમાં આગ,100થી વધુ લોકો ફસાયા

ડોંગરી ચિલ્ડ્રન્સ હોમના સુપ્રિટેન્ડન્ટ રાહુલ કાંતિકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ટીનેજરનો ભાઈ તેને મળવા આવ્યો તે વખતે તેના મોબાઇલમાં આ વિડિયો શૂટ કરવામાં આવ્યો હોવો જોઈએ. દર શનિવારે ચિલ્ડ્રન હોમના બાળકોને મળવા તેમના પરિવારજનો આવતા હોય છે. વિડિયો સંબંધિત વાત અમે ચાઇલ્ડ વેલફેર કમિટીના ધ્યાન પર લાવીશું. આ પ્રકારે વિડિયો બનાવવાની પરવાનગી નથી હોતી. જેણે પણ આ કામ કર્યું છે તેની વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવશે.’

mumbai dongri aarey colony Crime News samiullah khan