વસઈમાં પાણી ભરેલા ખાડામાં વીજળીનો કરન્ટ લાગતાં ગુજરાતી ગૃહિણીનું મૃત્યુ

17 September, 2019 01:59 PM IST  |  મુંબઈ | સમીઉલ્લાહ ખાન

વસઈમાં પાણી ભરેલા ખાડામાં વીજળીનો કરન્ટ લાગતાં ગુજરાતી ગૃહિણીનું મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

વસઈમાં એમએસઈબીની બેદરકારીને કારણે ગુજરાતી મહિલાએ જીવ ગુમાવ્યો હતો. પાણી ભરેલા ખાડામાં પગ પડતાં વીજળીનો આંચકો લાગતાં ગુજરાતી ગૃહિણીનું રવિવારે મૃત્યુ થયું હતું. એમએસએઈબી દ્વારા નાખવામાં આવેલા અન્ડરગ્રાઉન્ડ કેબલમાં શૉર્ટ સર્કિટ થતું હતું અને રસ્તા પર પડેલા ખાડામાં વરસાદનું પાણી ભરાયું હોવાને કારણે એમાંથી કરન્ટ પાસ થઈ રહ્યો હતો. ખાડામાંના પાણીના સંપર્કમાં આવવાને કારણે ગૃહિણીનું મોત થયું હતું, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

વસઈ-પશ્ચિમમાં ડિક્સોના ચાલમાં રહેતી ૨૫ વર્ષની જ્યોત્સ્ના અલ્પેશ પરમારનું વીજળીનો આંચકો લાગતાં મૃત્યુ થયું હતું. જ્યોત્સ્નાને ચાર અને અઢી વર્ષનાં બે સંતાનો છે. તેનો પતિ ઘરની નજીકમાં જ સૅલોં ચલાવે છે.

જ્યોત્સ્ના રવિવારે ઘર માટે ગ્રૉસરી કરિયાણું ખરીદવા જઈ રહી હતી ત્યારે રસ્તા પર પડેલા ખાડામાં તેનો પગ પડ્યો હતો. એમએસઈબીએ જે જગ્યાએ કેબલ વાયર નાખ્યો હતો એ જ જગ્યાએ ખાડો હતો અને એમાં પાણી ભરાયેલું હતું. જ્યોત્સ્નાનો પગ પાણીમાં પડ્યો હતો અને કેબલમાંથી પસાર થઈ રહેલો કરન્ટ લાગતાં તેનું મૃત્યુ થયું હતું. જ્યોત્સ્નાને કરન્ટ લાગ્યો હોવાની જાણ થતાં આસપાસમાં પસાર થઈ રહેલા લોકોએ મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી. વસઈ ગાંવ પોલીસે જ્યોત્સ્નાના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો છે. વસઈ ગાંવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર ભાસ્કર પુકલેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે કેસ નોંધ્યો છે અને બેદરકારી દાખવનારા સામે સખત પગલાં લેવામાં આવશે.’

આ પણ વાંચો : લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતા આંતરરાષ્ટ્રીય રૅકેટનો પર્દાફાશ

સામાજિક કાર્યકર અને રાજકારણી કુલદીપ નાયકે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે લગભગ એકાદ મહિના પહેલાં આ જ રીતે કરન્ટ લાગતાં ૮૦ વર્ષની એક વૃદ્ધાનું પણ મૃત્યુ થયું હતું.

vasai mumbai mumbai news samiullah khan