મુંબઈ: સતર્ક પાડોશીઓએ પથારીવશ વૃદ્ધ અને નાની બાળકીનો જીવ બચાવ્યો

29 March, 2019 11:14 AM IST  |  | સમીઉલ્લાહ ખાન

મુંબઈ: સતર્ક પાડોશીઓએ પથારીવશ વૃદ્ધ અને નાની બાળકીનો જીવ બચાવ્યો

આ બનાવમાં બચેલા પથારીવશ વૃદ્ધ અને નાની બાળકી

ગઈ કાલે વસઈ (વેસ્ટ)માં ન્યુ સૂર્યા કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના પહેલા માળ પરના એક ફ્લૅટમાં લાગેલી આગના ધુમાડાને કારણે ગૂંગળામણ અનુભવતા એ જ બિલ્ડિંગના બીજા માળના ફ્લૅટમાં રહેતા ૮૧ વર્ષના દાદા વેન્સેસલૉસ લોબો અને તેમની છ વર્ષની પૌત્રી અલીસા બિલ્ડિંગમાં રહેતા પાડોશીઓની સતર્કતાને કારણે બચી ગયાં હતાં.

સવારે લગભગ આઠ વાગ્યાના સુમારે ફ્રિજમાં શૉર્ટ-સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી. ફ્લૅટમાં રહેનારાં આશા શાહ અને તેમની પુત્રી વિધિ ગભરાટના માર્યા ઘરમાંથી બહાર દોડી ગયાં હતાં. બિલ્ડિંગના અન્ય રહેવાસીઓ પણ બહાર નીકળી ગયા હતા. જોકે બીજા માળ પરના ફ્લૅટમાં રહેતાં અને ફાયર-બ્રિગેડની સાયરનથી જાગેલા દાદા અને પૌત્રીને ફાયર-બ્રિગેડના જવાનોએ ફ્લૅટનો દરવાજો તોડીને બચાવી લીધાં હતાં.

ઘટના વિશે જણાવતાં લોબોની પુત્રવધૂ અને વ્યવસાયે શિક્ષક મોનિકાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હંમેશની જેમ હું અને મારા પતિ બહારથી તાળુ મારી નોકરી પર ગયાં હતાં. મારા હંમેશાં પથારીવશ રહેતા સસરા અને છ વર્ષની દીકરી ઘરમાં જ સૂતાં હતાં. સામાન્યપણે લગભગ દસ વાગ્યાની આસપાસ કામવાળી આવીને ઘરના કામ પતાવે, મારા સસરા અને દીકરીને નાસ્તો આપી સ્કૂલમાં મૂકી આવે છે.

આ પણ વાંચો : ઈશાન મુંબઈમાંથી ટિકિટ તો ગુજરાતીને જ મળશે: પ્રકાશ મહેતા

ઘટનાના દિવસે અમારા પાડોશીઓએ તેમના ઘરમાં જ બંધ હોવાની વાત ફાયર-બ્રિગેડના જવાનોને જણાવતાં તેમણે તે બન્નેને બચાવી લીધાં હતાં. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.’

vasai mumbai news