ડોમ્બિવલીમાં વેસ્ટ પ્લા‌સ્ટિકનો ઉપયોગ કરીને રસ્તા તૈયાર કરાયા

19 January, 2020 02:05 PM IST  |  Mumbai Desk

ડોમ્બિવલીમાં વેસ્ટ પ્લા‌સ્ટિકનો ઉપયોગ કરીને રસ્તા તૈયાર કરાયા

આ રીતે પ્લા‌‌સ્ટિકનો ઉપયોગ કરીને રસ્તો બનાવવામાં આવ્યો છે.

પર્યાવરણ સામે પ્લા‌સ્ટિકનો વેસ્ટ એ ગંભીર પ્રશ્ન બનીને ઊભો રહ્યો છે. અનેક સામા‌જિક સંસ્થાઓ પણ આ ‌વિશે કામ કરી રહી છે ત્યારે તા‌મિલનાડુ, કર્ણાટક, થાણે, પુણેમાં સફળતાપૂર્વક પ્રયોગ થયા બાદ હવે કલ્યાણ-ડો‌મ્બિવલી મહાનગરપા‌લિકાએ પણ કા‌બિલે તારીફ પગલું ભર્યું છે. અહીંના રસ્તાઓને ખાડામુક્ત કરવા માટે પ્લા‌સ્ટિક વડે રસ્તો બનાવવાનો પ્રયોગ શરૂ કર્યો છે એથી દર વર્ષે વરસાદ અને વરસાદ બાદ ખાડાવાળા રસ્તાઓનો ત્રાસ દૂર થશે એવી શક્યતા છે. જોકે પ્રશાસને લીધેલા આ પગલાને કારણે નાગ‌રિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કલ્યાણ-ડો‌મ્બિવલી મહાનગરપા‌લિકા ક્ષેત્રમાં ખાડાની તકલીફ નાગ‌રિકોને ભોગવવી પડે છે. ખાડાને કારણે અનેક અકસ્માત થયા છે અને એમાં લોકોએ જીવ ગુમાવ્યા છે. ખાડાઓને કારણે પ્રશાસને અનેક ટીકાનો સામનો કર્યો છે એથી મહાનગરપા‌લિકાએ પ્લા‌સ્ટિકયુક્ત રસ્તા બનાવવા માટેનું પગલું ભર્યું છે. પ્રશાસન દ્વારા એમઆઇડીસીના પ્રભાગ ક્રમાંક-૧૧૧માં રસ્તા પર પ્લા‌સ્ટિક‌ મિ‌‌શ્ર‌િત ડામરીકરણ કરવામાં આવ્યું છે.

આ ‌વિશે મા‌હિતી આપતાં કલ્યાણ-ડો‌મ્બિવલી મહાનગરપા‌લિકાના એ‌ન્જિ‌નિયર સપના કોલીનું કહેવું છે કે ‘આઇસ ફૅક્ટરી સુધીનો રસ્તો મળીને કુલ ૩૦૦ મીટરની લંબાઈનો એક પૅચ પ્લા‌સ્ટિકના‌મિશ્રણથી બનાવવામાં આવ્યો છે. આ પ્રયોગ સફળ રહ્યો તો મહાનગરપા‌લિકા ક્ષેત્રમાં મોટા ભાગના રસ્તા પર એનો ઉપયોગ થશે. આ રસ્તો ટકાઉ છે કે નહીં એ જોવાશે. ખાડામુક્ત રસ્તા માટે મહાનગરપાલિકાએ લીધેલા પગલાને કારણે રસ્તા પરના ખાડાઓનું ‌નિરાકરણ આવવાની સાથે પ્લાસ્ટિકના ‌ડિસ્પોઝની સમસ્યા પણ દૂર થઈ જશે. એક ફાઉન્ડેશન પાસેથી પ્રશાસને પ્લા‌સ્ટિક લીધું હતું અને ટ્રાન્સપરન્ટ પ્લા‌સ્ટિક પાઉચના નાના ટુકડા કરીને એને પ્લાન્ટ પર લઈ જવાયા અને એના પર‌પ્રક્રિયા કરવામાં આવી હતી. આ પ્રયોગ પહેલાં કર્ણાટક, તા‌મિલનાડુ વગેરે જગ્યાએ થયો છે અને અહીં પહેલી વખત થયો છે. આવા રસ્તા વરસાદમાં પણ ટકી રહેશે એવો અંદાજ છે.’

dombivli mumbai