મુંબઈ: જોગેશ્વરીના મિડલ ફુટઓવર બ્રિજનું વિસ્તરણ કરવામાં આવશે

17 April, 2019 11:35 AM IST  |  | રાજેન્દ્ર બી. અકલેકર

મુંબઈ: જોગેશ્વરીના મિડલ ફુટઓવર બ્રિજનું વિસ્તરણ કરવામાં આવશે

જોગેશ્વરી મિડલ ફુટઓવર બ્રિજ

જોગેશ્વરી રેલવે સ્ટેશનના ચર્ચગેટની દિશાના ફુટઓવર બ્રિજ પરથી ભારણ ઘટાડવા માટે મિડલ ફુટઓવર બ્રિજના વિસ્તરણના રૂપમાં ટૂંકા ગાળાના ઉકેલની યોજના પશ્ચિમ રેલવેએ ઘડી છે. મિડલ ફુટઓવર બ્રિજને પૂર્વ તરફ વિસ્તારવામાં આવશે અને એમાં વધારાના ઍન્ટ્રી-ઍક્ઝિટ પૉઇન્ટ્સ પણ આપવામાં આવશે. એ કામ જૂન મહિનાના અંત સુધીમાં પૂરું કરવાની બાંયધરી પશ્ચિમ રેલવેના અધિકારીઓએ આપી છે.

હાલમાં જોગેશ્વરી રેલવે સ્ટેશન પર એક ચર્ચગેટની દિશામાં (પૂર્વ-પશ્ચિમને જોડતો), બીજો બોરીવલી તરફના છેડે (પૂર્વ-પશ્ચિમને જોડતો) અને ત્રીજો વચ્ચે (પશ્ચિમ તરફ અવરજવર માટે) એમ ત્રણ ફુટઓવર બ્રિજ છે. તે ઉપરાંત હાર્બરલાઇનના પ્લૅટફૉર્મ માટે વૉક-વૅ પણ છે.

પશ્ચિમ રેલવેએ સ્ટેશન પર પ્રવાસીઓ સિવાયના લોકોની અવરજવર રોકવા માટે ગયા માર્ચ મહિનામાં સ્ટેશનની એક બાજુનો ભાગ બંધ કર્યો હતો ત્યારથી પ્રવાસીઓ અગવડની ફરિયાદ કરે છે. એ સમસ્યાનો અંત લાવવા માટે પશ્ચિમ રેલવેએ સ્લો લાઇનના પ્લૅટફૉમ્ર્સ લાંબા અને પહોળા કરવાની તેમ જ ઍસ્કેલેટર્સ ગોઠવવાની યોજના ઘડી છે. એ યોજના પાર પાડવામાં નોંધપાત્ર સમય લાગે અને કામકાજ દરમ્યાન ટ્રેનવ્યવહારના નિયંત્રણ માટે બ્લૉક્સ કરવાની જરૂર પડે એમ હોવાથી મિડલ ફુટઓવર બ્રિજના વિસ્તારનો શૉર્ટકટ પ્લાન ઘડવામાં આવ્યો છે.

આ પણ વાંચો : મુંબઈ: જળાશયોની સપાટી ઘટી, પાણીનો જથ્થો ત્રણ વર્ષમાં સૌથી ઓછો

હાલમાં જોગેશ્વરી રેલવે સ્ટેશનની પૂર્વ તરફ એક ઍસ્કેલેટર ગોઠવવામાં આવ્યું છે. એ ઍસ્કેલેટર ચોમાસું શરૂ થતાં પહેલાં સક્રિય થવાની બાંયધરી પશ્ચિમ રેલવેના અધિકારીઓએ આપી છે.

jogeshwari mumbai news mumbai railways western railway