વિરાર અને દહાણુ વચ્ચે બે નવી લાઇન, આઠ નવાં સ્ટેશન બંધાશે

24 July, 2019 07:27 AM IST  |  મુંબઈ | રાજેન્દ્ર બી. અકલેકર

વિરાર અને દહાણુ વચ્ચે બે નવી લાઇન, આઠ નવાં સ્ટેશન બંધાશે

મુંબઈ લોકલ ટ્રેન

મુંબઈના સબર્બન ટ્રેન નેટવર્કને વિરારથી આગળ લંબાવવાની મહત્વાકાંક્ષી યોજનાના ભાગરૂપે જમીન હસ્તગત કરવાની કાર્યવાહી પૂર્વેનો મહત્ત્વનો તબક્કો આટોપી લેવાતાં હવે નવી બે રેલલાઇન અને આઠ નવાં સ્ટેશનો બાંધવાની મુખ્ય કામગીરી આગળ વધારવાની રાહ જોવાઈ રહી છે. આ યોજના માટે સરકારે ફાળવેલાં નાણાં છૂટાં કરવામાં આવ્યાં પછી પ્રકલ્પનો અખત્યાર સંભાળતું મુંબઈ રેલ વિકાસ નિગમનું તંત્ર રેલવેલાઇનના બાંધકામ સહિતની કાર્યવાહી શરૂ કરશે.

મુંબઈ રેલ વિકાસ નિગમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘અમે જૉઇન્ટ મેઝરમેન્ટ સર્વેની કામગીરી પૂરી કરી છે. વિકાસ યોજનાની દૃષ્ટિએ આ બાબત મહત્ત્વની છે, કારણ કે આવા સર્વેક્ષણ દ્વારા જમીનની ખરેખર કેટલી જરૂરિયાત છે એ સમજાય છે. જમીન પ્રાપ્તિની દિશામાં છેલ્લી આવશ્યક પ્રક્રિયા છે.’

આ યોજનામાં ૧,૩૯,૫૦૦ ચોરસમીટર જમીનનો વપરાશ બે નવી રેલવેલાઇન્સ નાખવા માટે અને આઠ નવાં ઉપનગરીય રેલવે સ્થાનકો બાંધવા માટે કરવામાં આવશે. હાલમાં વિરાર અને દહાણુ વચ્ચે ૬૩.૮૦ કિલોમીટરના અંતરમાં નવ સ્ટેશનો છે. આ નવ સ્ટેશનોની વચ્ચે નવાં આઠ સ્ટેશન બાંધવાની તૈયારી થઈ રહી છે. નવાં સબર્બન સ્ટેશનો અને રેલવેલાઇન્સ વિરાર-પાલઘર-દહાણુ સેક્શનમાં મુશ્કેલીઓ ઘટાડવાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થશે. ખાસ કરીને વિરાર અને દહાણુ વચ્ચે ઔદ્યોગિક વિકાસની ગતિ વધારવામાં મદદરૂપ થશે. વૈતરણા નદી પર કોચલે ગામ પાસે મધ્ય વૈતરણા બંધ બાંધવામાં આવનાર હોવાથી એ યોજનામાં રોજગારી માટે જનારા લોકોને રેલવેલાઇનો મદદરૂપ થશે. એ ઉપરાંત પાલઘર, દહાણુ અને બોઇસરનાં કારખાનાં તથા અન્ય વિકાસ પ્રકલ્પો તેમ જ કેળવે, સફાળે, વૈતરણા અને દહાણુના દરિયાકાંઠાના વિસ્તારોના પર્યટનની દૃષ્ટિએ વિકાસમાં પણ નવી યોજના મહત્વપૂર્ણ સિદ્ધ થશે.

આ પણ વાંચો : સોનાના બનાવટી દાગીના પર લોન લઈને બૅન્કો સાથે 30 લાખ રૂપિયાની છેતરપિંડી

આ પ્રોજેક્ટ હેઠળ દહાણુ માટેની ટ્રેનોની ફ્રીક્વન્સી વધારવા માટેના આયોજનનો સમાવેશ થાય છે અને એના અંતર્ગત અત્યારે દહાણુ માટે ચાર-ચાર કલાકે મળે છે એને બદલે ૨૦૨૩ સુધીમાં દર ૧૨ મિનિટે ટ્રેન મળે એવું માળખું ઊભું કરવાની યોજનાનો સમાવેશ થાય છે. ૨૦૩૧ સુધીમાં આ ફ્રીક્વન્સી છ મિનિટ અને ૨૦૪૧માં ચાર મિનિટ કરવાની નેમ છે.

mumbai local train mumbai trains virar dahanu mumbai news rajendra aklekar