ઘાટકોપર મેટ્રો સ્ટેશન થયું ભીડભાડથી મુક્ત

23 September, 2019 09:13 AM IST  |  મુંબઈ | રાજેન્દ્ર આકલેકર

ઘાટકોપર મેટ્રો સ્ટેશન થયું ભીડભાડથી મુક્ત

ઘાટકોપરના મેટ્રો વન સ્ટેશનમાં થઈ રહેલા ફેરફારો.

મુંબઈ મેટ્રો વન કંપનીના અધિકારીઓએ ઘાટકોપર મેટ્રો સ્ટેશન પર મુસાફરોની ગીચતા ઘટાડવા માળખાકીય સુધારાની કેટલીક નિર્ધારિત યોજનાઓનો અમલ પૂરો કર્યો છે. સબર્બન રેલવે-સ્ટેશન અને મેટ્રો સ્ટેશન જોડાયેલું હોય એવી સ્થિતિના પશ્ચિમ રેલવેના અંધેરી સ્ટેશનને પણ લોકોની ગીચતા ઘટાડવાના ઉપાયો કરવાની સૂચના રેલવેપ્રધાન પીયૂષ ગોયલે ગયા અઠવાડિયે આપી હતી.

કેન્દ્રના રેલવેપ્રધાન પીયૂષ ગોયલે મધ્ય રેલવેના સબર્બન ઘાટકોપર સ્ટેશનની મુલાકાત લીધા પછી ૧૦ દિવસમાં આ કામગીરી પાર પાડવામાં આવતાં સમસ્યાનો પૂર્ણ ઉકેલ આવ્યો નથી, કારણ કે હાલમાં ટૂંકા ગાળાના ઉપાય કરવામાં આવ્યા છે. લાંબા ગાળાની કેટલીક કામગીરી બાકી છે. હાલમાં ઘાટકોપર રેલવે સ્ટેશન પર દરરોજ ૧.૯૩ લાખ પ્રવાસીઓની અને મેટ્રો સ્ટેશન પર દરરોજ ૮૭,૧૧૬ પ્રવાસીઓની અવરજવર હોય છે.

ઘાટકોપરના રેલવે ફુટ ઓવર બ્રિજ પર પ્રવાસીઓની ભીડ.

ઘાટકોપર મેટ્રો સ્ટેશન પર મોકળાશ વધતાં મુસાફરોનો ધસારો થાય ત્યારે રેલવે ફુટ ઓવર બ્રિજ પર ગિરદી થવાની શક્યતા નિવારી શકાઈ છે. મુખ્યત્વે મેટ્રો સ્ટેશન પર ઑટોમૅટિક ફેર કલેક્શનના ગેટ પાછળ ખસેડવાથી ઘણી રાહત થઈ છે. એકંદરે મેટ્રો સ્ટેશન પર અગાઉ કરતાં બમણા પ્રમાણમાં પ્રવાસીઓનો સમાવેશ શક્ય બન્યો છે. આજથી મેટ્રો રેલવેના પ્રવાસીઓની લાઇન લગાવવાની વ્યવસ્થા બદલાશે. મેટ્રો વનના અધિકારીઓએ લોકોની મુક્ત અવરજવરમાં અવરોધરૂપ ફૂડ-સ્ટૉલ્સ હટાવ્યા છે. એન્ટ્રી પૉઇન્ટ પાસેથી મધ્ય રેલવેનું ટિકિટ-કાઉન્ટર અને મેટ્રો સ્ટેશન મૅનેજરની ઑફિસનાં સ્થાન બદલ્યાં છે.

ઘાટકોપરના સબર્બન રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશન પર ગીચતા માટે પ્લૅટફૉર્મ-નંબર એક પર નવાં ટિકિટ વેન્ડિંગ મશીન્સ સાથે નકામી બુકિંગ ઑફિસ, જૂનો જર્જરિત દાદરો અને પ્રવેશદ્વાર પાસેની બે દુકાનો કારણભૂત હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

ghatkopar mumbai news mumbai metro rajendra aklekar