મુંબઈ: રાજ ઠાકરે સામે દાખલ કરો ગુનો

12 March, 2019 11:39 AM IST  | 

મુંબઈ: રાજ ઠાકરે સામે દાખલ કરો ગુનો

રાજ ઠાકરે

MNSના અધ્યક્ષ રાજ ઠાકરેએ ૯ માર્ચે પાર્ટીના સ્થાપનાદિવસે બાંદરામાં જાહેર સભામાં કરેલા એક નિવેદનને અત્યંત ગંભીર ગણાવીને આ મુદ્દે રાજ ઠાકરે સામે ગુનો નોંધવાની માગણી કરવામાં આવી છે. રાજ ઠાકરે એવું બોલ્યા હતા કે આગામી એકથી દોઢ મહિનામાં ઇલેક્શન દરમ્યાન પુલવામા હુમલા જેવો હુમલો ફરી કરવામાં આવશે. તેમના આ ગંભીર સ્ટેટમેન્ટની પોલીસ તપાસ કરે અને તેઓ આ વાક્ય કઈ માહિતીના આધારે બોલ્યા અને જો તેમને માહિતી હોય તો પોલીસ તેમની પાસેથી પૂછપરછ કરીને આ વિશે માહિતી લે એવી માગણી કરતો પત્ર ચેમ્બુર પોલીસમાં સિનિયર ઍડ્વોકેટ એસ. બાલાકૃષ્ણને આપ્યો છે.

આ વિશે માહિતી આપતાં ચેમ્બુરમાં રહેતા એસ. બાલાકૃષ્ણને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘MNSના વર્ધાપન દિવસે રાજ ઠાકરે દ્વારા લેવાયેલી જાહેર સભામાં પુલાવામા હુમલા અને સરકારની કાર્યવાહી વિશે તેઓ ઘણું બોલ્યા હતા. જોકે આ ભાષણ દરમ્યાન તેમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મને એવું લાગે છે કે આવનાર મહિના-દોઢ મહિનામાં પુલવામા જેવો આતંકી હુમલો ફરી કરવામાં આવશે. આવું સ્ટેટમેન્ટ બોલ્યા બાદ તેમણે અન્ય પણ ઘણી વાતો કરી હતી, પરંતુ આ શબ્દો ન્યુઝપેપરમાં વાંચ્યા બાદ હું ખૂબ ડરી ગયો છું કે પુલાવામામાં થયેલા આતંકી હુમલામાં આપણા ૪૦ જવાનો શહીદ થઈ ગયા છે અને ફરી આવું કંઈ થશે તો શું થશે. રાજ ઠાકરે જેવા વરિષ્ઠ નેતા જ્યારે આવું ગંભીર સ્ટેટમેન્ટ આપે છે તો તેઓ કયા આધારે બોલે છે એ આપણે જાણવું જરૂરી છે. એથી કાયદા પ્રમાણે પોલીસને આવા ક્રાઇમ વિશે માહિતી આપવી જોઈએ. એથી મેં ચેમ્બુર પોલીસને પત્ર લખીને માગણી કરી છે કે રાજ ઠાકરેની પૂછપરછ કરીને તેમની પાસે પુલવામા જેવા કોઈ હુમલા વિશે માહિતી લે. આ ગંભીર વિષય હોવાથી પોલીસ પણ એને ગંભીરતાથી લે એ વિશે ખાસ ધ્યાન આપીશ.’

આ પણ વાંચો : આકાશ અને શ્લોકાના રીસેપ્શનનો પહેલો ફોટો આવ્યો સામે

MNSનું શું કહેવું છે?

MNSના મહારાષ્ટ્રના વાઇસ પ્રેસિડન્ટ નયન કદમે આ વિશે વાત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાષણ દરમ્યાન રાજ સાહેબે ક્લિયરલી કહ્યું હતું કે મને એવું લાગે છે કે આવો હુમલો ફરી કરવામાં આવશે. તેમણે તો પોતાનો મત મૂક્યો હતો. તેમણે એમ તો કહ્યું નહોતું કે તેમને કોઈ વ્યક્તિ દ્વારા કે પછી ખુફિયા માહિતી મળી છે. એથી એ વકીલે પોલીસ-સ્ટેશનને આપેલો પત્ર અર્થ વગરનો જ છે. BJPના લોકો તો મનફાવે એમ બોલતા હોય છે ત્યારે કેમ પત્ર લખાતા નથી. રાજસાહેબે ભાષણમાં ફક્ત તેમને શું લાગી રહ્યું છે એવું કહ્યું હતું.’

raj thackeray mumbai news