નવી મુંબઈ સહિત થાણેમાં ધોધમાર વરસાદ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

16 September, 2019 09:15 AM IST  | 

નવી મુંબઈ સહિત થાણેમાં ધોધમાર વરસાદ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

નવી મુંબઈ સહિત થાણે જિલ્લામાં શનિવાર રાતથી મુશળધાર વરસાદ વરસ્યો હતો. ડોમ્બિવલીના અનેક વિસ્તારોમાં વરસાદનાં પાણી ભરાઈ ગયાં હતાં. મુંબઈ શહેરના ઉપનગર વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે અનેક ઠેકાણે વાહનવ્યહાર ધીમી ગતિએ ચાલતો હતો. રાજ્યમાં આવતા અઠવાડિયે પણ મેઘરાજાની મહેર રહે એવી શક્યતા વર્તાઈ રહી છે. આગામી ચાર દિવસ માટે મુબઈમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.

વાતાવરણમાં પરિવર્તન આવવાને કારણે વરસાદ સક્રિય હોવાનું અનુમાન છે. આનું પરિણામ પાછોતરા વરસાદ પર પડ્યું છે. સતત ત્રીજા વર્ષે પાછોતરા વરસાદમાં વિલંબ સર્જાય એવી શક્યતા છે. રાજસ્થાનમાં ફરી એક વાર વરસાદ શરૂ થયો હોવાથી અન્ય રાજ્યોમાં પણ વરસાદનું જોર ઓછુંવત્તું થઈ રહ્યું છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર સામાન્ય રીતે ૧થી ૬ સપ્ટેમ્બર દરમ્યાન રાજસ્થાનના પશ્ચિમના ભાગોમાં પાછોતરા વરસાદનું આગમન થાય છે, પણ અહીં હજી વરસાદ પડી રહ્યો છે એને કારણે પાછોતરો વરસાદ ખેંચાયો છે.

આ પણ વાંચો: મહીસાગર-લુણાવાડામાં આભ ફાટ્યું: ૪ ઇંચથી વધુ વરસાદ,૬૫ ગામો સંપર્કવિહોણાં

૧૫ સપ્ટેમ્બર સુધી રાજસ્થાન, પંજાબ અને કચ્છના અમુક ભાગોમાંથી મૉન્સૂનની વિદાય થતી હોય છે અને ત્યાર પછીના અઠવાડિયા બાદ મહારાષ્ટ્રમાં વરસાદ વિરામ લે છે. આખા દેશમાં વરસાદ ફરી ૩૦ સપ્ટેમ્બરે સક્રિય બને છે, પણ હાલના વાતાવરણને જોતાં વરસાદ ચાલુ જ હોવાથી પાછોતરો વરસાદ લંબાય એવી શક્યતા છે. રાજ્યમાં ગણેશોત્સવ દરમ્યાન પણ વરસાદ સક્રિય હતો અને ત્યાર પછી પણ પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન કોલાબામાં ૬.૨ મિમી અને સાંતાક્રુઝમાં ૪૧.૩ મિમી વરસાદ નોંધાયો હતો.

mumbai rains gujarati mid-day