PMC બૅન્કના ખાતેદારો 10,000 રૂપિયા ઉપાડી શકશે: RBI

27 September, 2019 02:03 PM IST  |  મુંબઈ

PMC બૅન્કના ખાતેદારો 10,000 રૂપિયા ઉપાડી શકશે: RBI

રિઝર્વ બૅન્ક

રિઝર્વ બૅન્કે વિવાદગ્રસ્ત પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બૅન્ક પર મૂકેલાં નિયંત્રણો હળવાં કરતાં ગ્રાહકોને તેમના ખાતામાંથી ઉપાડની રકમની મહત્તમ મર્યાદા ૧૦૦૦ રૂપિયાથી વધારીને ૧૦,૦૦૦ રૂપિયા કરી છે. રિઝર્વ બૅન્કના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ‘ખાતેદારોની મુશ્કેલીઓ હળવી કરવાના ઇરાદે રાહત આપવામાં આવી છે. રિઝર્વ બૅન્ક પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે અને ખાતેદારોનાં હિતો જાળવવા માટે આવશ્યક વધારે પગલાં લેવામાં આવશે. ઉપરોક્ત રાહત સિવાયની અન્ય જોગવાઈઓ યથાવત્ રહેશે. ૬૦ ટકાથી વધારે ખાતેદારો તેમના ખાતાની પૂર્ણ રકમ ઉપાડી શકશે.’

બૅન્કના ડિરેક્ટર્સમાં બીજેપીના નેતા પણ

રિઝર્વ બૅન્કે પે આઉટ્સ ફ્રીઝ કરવા સહિતનાં નિયંત્રણો પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ (પીએમસી) બૅન્ક પર મૂક્યાં પછી મુંબઈના અનેક વિસ્તારોના નાગરિકો પરેશાન હાલતમાં છે. એ બૅન્કના ૧૨ ડિરેક્ટરોમાં બીજેપીનાં પણ કેટલાંક નામો છે. બૅન્કના એક ડિરેક્ટર રજનીત સિંહ બીજેપીના મહત્ત્વાકાંક્ષી નેતા છે. ચાર ટર્મ બીજેપીના વિધાનસભ્ય રહી ચૂકેલા સરદાર તારા સિંહના દીકરા રજનીત સિંહે ૨૦૧૭ની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મુલુંડથી ટિકિટ માગી હતી, પરંતુ પક્ષના મોવડીઓએ એ વખતના સંસદસભ્ય કિરીટ સોમૈયાના દીકરા નીલ સોમૈયાને ટિકિટ આપી હતી.

૧૩ વર્ષોમાં ડિરેક્ટરશિપની ત્રીજી ટર્મ ભોગવતા રજનીતે જણાવ્યું હતું કે ‘હું બૅન્કના રોજબરોજના કામકાજનો હિસ્સો નથી. મને કોઈ લોન વિશે પણ ખબર નથી. અમે રિઝર્વ બૅન્કને નિયંત્રણો હટાવવાની વિનંતી કરીએ છીએ. અમે ગ્રાહકોને હાલની સ્થિતિથી નહીં ગભરાવાનો અનુરોધ કરીએ છીએ.’

કૉન્ગ્રેસે હાલની મુશ્કેલી માટે બૅન્કના ડિરેક્ટર્સને જવાબદાર ગણ્યા છે. મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સંજય નિરુપમે જણાવ્યું હતું કે ‘બૅન્કના લગભગ બધા ડિરેક્ટર્સને બીજેપી સાથે સંબંધ છે. તેમણે લોન ડિફૉલ્ટર રિયલ એસ્ટેટ કંપનીઓને આપી હતી. એ ઉપરાંત ઑડિટ રિપોર્ટમાં પણ ગોલમાલ કરી હતી.’

દેવાળિયા કન્સ્ટ્રક્શન કંપની હાઉસિંગ ડેવલપમેન્ટ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (એચડીઆઇએલ)ને ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની લોન આપવાના સંદર્ભમાં રિઝર્વ બૅન્કે ઉક્ત કાર્યવાહી કરી હતી. રિઝર્વ બૅન્કે છ મહિના માટે પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બૅન્ક પર મૂકેલાં નિયંત્રણો અનુસાર એ બૅન્ક હાલમાં એક પણ લોન મંજૂર કરી નહીં શકે. એ ઉપરાંત કોઈ પણ ગ્રાહકને ૧૦૦૦ રૂપિયા કરતાં વધારે રકમ આપી નહીં શકે.

કિરીટ સોમૈયા તથા ખાતેદારોએ કરી ફરિયાદ

બીજેપીના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયા તથા કેટલાક ખાતેદારોએ પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બૅન્કના અધિકારીઓ અને એચડીઆઇએલ કંપની વિરુદ્ધ ખાતેદારોના ૩૦૦૦ કરોડ રૂપિયાની લૂંટ ચલાવવાના આરોપ સાથે પોલીસ સમક્ષ ફરિયાદો નોંધાવી છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખામાં નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બૅન્કના ટોચના સંચાલકો અને રિયલ એસ્ટેટ કંપની એચડીઆઇએલના માલિકોએ કાવતરાપૂર્વક બૅન્કના ૯.૧૨ લાખ ખાતેદારોના ૩૦૦૦ કરોડ રૂપિયા લૂંટ્યા છે. કિરીટ સોમૈયાએ બૅન્કના એચડીઆઇએલ સાથેના વ્યવહારોની સંપૂર્ણ ફૉરેન્સિક તપાસની માગણી કરી હતી.

કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે ‘પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બૅન્કે ૮૦૦૦ કરોડ રૂપિયાની આપેલી લોનોમાંથી ૩૦૦૦ કરોડ રૂપિયાની લોનો એચડીઆઇએલ અને એ ગ્રુપની બેનામી કંપનીઓને આપી હતી. એચડીઆઇએલ કંપનીએ દેવાળું ફૂંક્યા પછી પણ બૅન્કે યોગ્ય દસ્તાવેજો વગર સેંકડો કરોડ રૂપિયાની લોન આપી હતી. બૅન્કના ટૉપ મૅનેજમેન્ટ તથા એચડીઆઇએલના માલિકો સામે ચીટિંગ અને ફ્રૉડનો ગુનો નોંધીને વિગતવાર તપાસ કરવી અનિવાર્ય છે. તપાસ દરમ્યાન બૅન્ક ટકી રહે એવા પ્રયત્નો કરવા જોઈએ.’

અગાઉ ખાતેદારોના એક પ્રતિનિધિ મંડ‍ળે સાયન પોલીસ-સ્ટેશનને બૅન્કના ચૅરમૅન અને ડિરેક્ટર્સ સહિત વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એ બધા ખાતેદારોનાં નાણાંની ગોલમાલમાં સંડોવાયેલા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ફરિયાદમાં ઉલ્લેખિત વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા અને એ લોકો નાસી ન જાય એ માટે તેમના પાસપોર્ટ્સ જપ્ત કરવાની માગણી પણ કરવામાં આવી હતી. નાણાંની ગોલમાલ બાબતે બૅન્કના ચૅરમૅન અને ડિરેક્ટર્સ પાસે સ્પષ્ટતાની પણ માગણી ખાતેદારોએ કરી હતી. ખાતેદારોએ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ ઉપરાંત અદાલતમાં જવાની પણ તૈયારી કરી છે. ઉક્ત સહકારી બૅન્કની સાયન બ્રાન્ચની બહાર પચાસ ગ્રાહકો એકઠા થયા હતા અને તેમનાં નાણાં પાછાં માગ્યાં હતાં.

reserve bank of india mumbai news