નાલાસોપારામાં રેલરોકો આંદોલન કરનારા 500 લોકો સામે ગુનો

26 February, 2019 01:07 PM IST  | 

નાલાસોપારામાં રેલરોકો આંદોલન કરનારા 500 લોકો સામે ગુનો

નાલાસોપારા અને વિરાર રેલવે ટ્રેક પર પ્રવાસીઓ આંદોલન કરતા જોવા મળ્યા હતા.

પુલવામામાં આતંકવાદીઓ દ્વારા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો પર કરવામાં આવેલા હુમલાનો દેશભરમાં નાગરિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એમાં નાલાસોપારા અને વિરાર રેલવે-સ્ટેશને રેલરોકો આંદોલન કરીને હજારોની સંખ્યામાં લોકો રેલવે-ટ્રૅક પર આવી ગયા હતા. આ આંદોલનને કારણે અનેક ટ્રેનો મોડી દોડી હતી તો અનેક ટ્રેનો કૅન્સલ કરવામાં આવી હતી. લોકોને લાંબો સમય સમજાવ્યા બાદ અંતે પોલીસે હલકો લાઠીચાર્જ સુધ્ધાં કરવો પડ્યો હતો. હવે વસઈ રોડ રેલવે-પોલીસે નાલાસોપારા રેલવે-સ્ટેશન પર રેલરોકો આંદોલન કરનારા ૫૦૦ લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત આંદોલનમાં સહભાગી થયેલા લોકોમાંથી અમુક જણની રેલવે-પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે. એમાંથી ઓળખાણ થયેલા એક આંદોલનકર્તાની વસઈ રોડ રેલવે-પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું જણાયું છે. એથી આતંકવાદી હુમલાનો નિષેધ દાખવવો એ પણ ગુનો છે એવો પ્રfન નાગરિકો દ્વારા ઊભો કરવામાં આવ્યો છે. આંદોલનકર્તાઓ વિરુદ્ધ સરકારી માલમતાનું નુકસાન, દંગલ વગેરે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગાંધી હમ શરમિંદા હૈ, તેરે કાતિલ ઝિંદા હૈ...

પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીએ થયેલા આંતકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હોવાથી દેશભરના નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો. આવો રોષ નાલાસોપારા અને વિરારના લોકોમાં પણ હતો. એથી નિષેધ દાખવવા અહીંની દુકાનો, અનેક સ્કૂલો વગેરે બંધ રખાયાં હતાં; પરંતુ નાલાસોપારા અને વિરારમાં લોકો નિષેધ દાખવવા રેલવે-ટ્રૅક અને પ્લૅટફૉર્મ પર ઊમટ્યા હતા. સવારે આઠ વાગ્યાથી આંદોલનકર્તાઓના દેખાવો શરૂ થયા હતા અને એ લગભગ પાંચ કલાક ચાલ્યા હતા. એની વેસ્ટર્ન રેલવેના ટ્રેનવ્યવહાર પર ગંભીર અસર થઈ હતી. આ આંદોલન વખતે અમુક લોકો દ્વારા લોકલ પર પથ્થર પણ ફેંકવામાં આવ્યા હતા. એમાં ફરજ બજાવી રહેલા પાંચ રેલવે પોલીસ-અધિકારી, કર્મચારી જખમી સુધ્ધાં થયા હતા.

mumbai news nalasopara indian railways pulwama district terror attack jammu and kashmir