KEMના ICUમાં લાગેલી આગમાં દાઝેલા પ્રિન્સ રાજભરનું કાર્ડિઍક અરેસ્ટથી મોત

23 November, 2019 11:38 AM IST  |  Mumbai Desk | arita sarkar

KEMના ICUમાં લાગેલી આગમાં દાઝેલા પ્રિન્સ રાજભરનું કાર્ડિઍક અરેસ્ટથી મોત

પ્રિન્સનું પ્રાણપંખેરું ઊડી ગયું

કેઈએમ હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં લાગેલી આગમાં ઈજા પામેલા બે મહિનાના બાળક પ્રિન્સ રાજભરનું ગઈ કાલે વહેલી સવારે કાર્ડિઍક અરેસ્ટથી મૃત્યુ થયું હોવાનું પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. છઠ્ઠી નવેમ્બરે આગથી દાઝ્યા બાદ વેન્ટિલેટર પર રાખવામાં આવેલા પ્રિન્સ રાજભરનો ડાબો હાથ કાપી નાખવો પડ્યો હતો. જોકે ગુરુવારે રાતે તેની તબિયત કથળી હતી. રાત્રે અઢી વાગ્યે તેને કાર્ડિઍક અરેસ્ટ આવ્યો હતો. પ્રિન્સ રાજભરના પિતા પન્નીલાલે વિવિધ સરકારી હૉસ્પિટલોમાં પ્રિન્સના મૃતદેહનું સ્વતંત્ર પોસ્ટમૉર્ટમ કરાવવાની માગણી કરી છે. જન્મથી જ હૃદયની બીમારી ધરાવતા પ્રિન્સ રાજભરને ઉત્તર પ્રદેશના વારાણસી શહેરથી સારવાર માટે મુંબઈ લાવવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિન્સના પિતા પન્નીલાલ રાજભરે ૧૩ નવેમ્બરે હૉસ્પિટલના સ્ટાફ વિરુદ્ધ લાપરવાહી દાખવી હોવાની ફરિયાદ ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં કરી હતી. હૉસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. એને આધારે પોલીસે ભારતીય દંડસંહિતાની ૩૩૮ની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પહેલાં બે દિવસ અગાઉ પ્રિન્સના પિતા સાયન-કોલીવાડાના બીજેપીના વિધાનસભ્ય તમિલ સેલ્વન સાથે પાલિકા કમિશનર પ્રવીણ પરદેશીને મળ્યા હતા અને ૧૦ લાખ રૂપિયાના વળતર માટેની માગણી કરી હતી. જોકે પાલિકાએ પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાનું સૂચિત કર્યું હતું, જેને પ્રિન્સનાં માતા-પિતાએ સ્વીકારવાની ના પાડી દીધી હતી.

બે અઠવાડિયાં વીતી ગયા છતાં પ્રિન્સ દાઝી જવાની ઘટનામાં જવાબદાર કોણ છે એની શોધ હજી સુધી ન તો પાલિકા ચલાવી શકી છે કે ન તો પોલીસ. બીજી બાજુ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહેલી પોલીસ અને પાલિકા સામે જ પગલાં લેવાં જોઈએ એવી માગણી પ્રિન્સનાં મમ્મી-પપ્પાએ કરી હતી.

પાલિકાની મોટા ભાગની હૉસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉક્ટર આર. એન. ભારમલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જેજે હૉસ્પિટલ, નાયર હૉસ્પિટલ અને સાયન હૉસ્પિટલના ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ અને કેઈએમ હૉસ્પિટલના પૅથોલૉજીના પ્રોફેસરની કમિટી રચવામાં આવી છે.’

આ પણ વાંચો : ગળાડૂબ પ્રેમમાં છે Aishwarya Majmudar, જુઓ તેના મનના માણીગર સાથેની ખાસ તસવીરો.

ડીનને સસ્પેન્ડ કરવાની નગરસેવકોએ કરી માગણી
મેડિકલ ડિરેક્ટર ડૉક્ટર આર. એન. ભારમલે આગની ઘટનાની અને બાળકોને આપવામાં આવતી મેડિકલ કૅરની ગુણવત્તા બાબતે યોગ્ય સાવચેતી રાખી નહોતી, એવું જણાવીને નગરસેવકોએ સ્ટૅન્ડિંગ કમિટીમાં હૉસ્પિટલના વહીવટ સામે થર્ડ પાર્ટી તપાસ કરાવવા સાથે ડીનને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી.

mumbai Crime News KEM Hospital