મહાયુતિ ફાઇનલ : બીજેપી 144, શિવસેના 126 અને અન્યો 18

30 September, 2019 09:03 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

મહાયુતિ ફાઇનલ : બીજેપી 144, શિવસેના 126 અને અન્યો 18

આદિત્ય ઠાકરે

મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીમાં બીજેપી-શિવસેનાની યુતિ ફાઇનલ થઈ ગઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ૧૪૪, શિવસેના ૧૨૬ તથા અન્ય પક્ષો ૧૮ બેઠક પર ચૂંટણી લડે એવી સમજૂતી કરવામાં આવી છે. આ બાબતની સત્તાવાર જાહેરાત આજે થઈ શકે છે. બીજી બાજુ, યુતિની જાહેરાત ન થઈ હોવા છતાં શિવસેના દ્વારા ગઈ કાલે ૧૮ ઉમેદવારોને એબી ફૉર્મ અપાયાં હતાં. એ સિવાય યુવા સેના અધ્યક્ષ આદિત્ય ઠાકરે વરલી વિધાનસભા બેઠક પર લડે એવો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો આ સાચું હોય તો ઠાકરે પરિવારમાંથી પહેલી વખત કોઈ ચૂંટણીના મેદાનમાં ઊતરશે અને ઉપ મુખ્ય પ્રધાન બનશે.

મહારાષ્ટ્ર બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાન્તદાદા પાટીલ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની દિલ્હીમાં ગઈ કાલે પાર્ટીના મોવડીમંડળ સાથે લાંબી બેઠક યોજાઈ હતી. સૂત્રોએ જણાવ્યા મુજબ આ બેઠકમાં શિવસેના સાથેની યુતિ અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની પોસ્ટ શિવસેનાને આપવાની બાબતે મંજૂરીની ચર્ચા થઈ હતી. મહાયુતિમાં બીજેપી ૧૪૪, શિવસેના ૧૨૬ તથા અન્ય પક્ષોને ૧૮ બેઠક ફાળવાઈ છે.

બીજેપીમાં વધુ એક મેગા ભરતી : કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્યો જોડાશે

બીજેપીમાં આજે મુંબઈમાં વધુ એક મેગા ભરતી થશે. કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્યો અને વંચિત બહુજન આઘાડીના ગોપીચંદ પડાળકર સહિત બીજા કેટલાક નેતાઓ બપોરે ગરવારે ક્લબમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. કૉન્ગ્રેસના નેતાઓમાં અસલમ શેખ, રાહુલ બોન્દ્રે, કાશિરામ પાવરા, ડી. એસ. આહિરે, સિદ્ધરામ મ્હેત્રે, ભરત ભાલકે વગેરે નામની ચર્ચા છે. કૉન્ગ્રેસે ગઈ કાલે જાહેર કરેલી ઉમેદવારોની પહેલી યાદીમાં આ નેતાઓનાં નામ નથી.

આ પણ વાંચો : પુણેના 11 પૂરગ્રસ્તોને બચાવનારી યુવતીનો મૃતદેહ ચાર દિવસે મળ્યો

બીજેપીના બાવીસ વિધાનસભ્યોનાં પત્તાં કપાયાં?

બીજેપી દ્વારા હજી સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરાઈ ન હોવા છતાં સોશ્યલ મીડિયામાં બીજેપીના બાવીસ વિધાનસભ્યનાં પત્તાં કપાયાં હોવાના મેસેજ વાઇરલ થયા છે. આમાં પક્ષના અનેક દિગ્ગજ નેતાઓનાં નામ સામેલ હોવાથી આ બાબતે ભારે ચર્ચા થઈ રહી છે. બીજેપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે એક-બે દિવસમાં શિવસેના સાથેની યુતિ અને પાર્ટીના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આથી કોઈએ અફવા પર ધ્યાન ન આપવું.

aaditya thackeray shiv sena bharatiya janata party mumbai news