ઓછા ધારાસભ્યો સાથે સરકારની રચના કરતાં પવારે શીખવ્યું : ઉદ્ધવ

26 December, 2019 11:09 AM IST  |  Mumbai Desk

ઓછા ધારાસભ્યો સાથે સરકારની રચના કરતાં પવારે શીખવ્યું : ઉદ્ધવ

પુણેમાં આયોજિત સમારંભમાં શરદ પવાર સાથે ગુફતેગો કરતા ઉદ્ધવ ઠાકરે. તસવીર : પી.ટી.આઈ

એનસીપી પ્રમુખ શરદ પવારે મને ઓછી જમીનમાંથી વધુ ઊપજ કેવી રીતે મેળવવી તથા પોતાના પ્રતિસ્પર્ધી કરતાં ઓછી બેઠકો મેળવ્યા બાદ સરકારની રચના શી રીતે કરવી એ શીખવ્યું છે. આ શબ્દો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કહ્યા હતા.

ઠાકરે અત્રે વસંતદાદા શુગર ઇન્સ્ટિટ્યૂટની વાર્ષિક સાધારણ સભાને સંબોધી રહ્યા હતા. શરદ પવાર આ સંસ્થાના ચૅરમૅન છે અને આ પ્રસંગે તેઓ પણ ત્યાં ઉપસ્થિત હતા.
પોતાના વક્તવ્ય દરમ્યાન ઠાકરેએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું હતું. ઉલ્લેખનીય છે કે ફડણવીસ ઘણી વખત એવું કહી ચૂક્યા છે કે બીજેપી વિધાનસભાનો સૌથી વિશાળ પક્ષ હોવા છતાં તેણે સત્તા ગુમાવી દીધી.
શરદ પવારે અમને ઓછી જમીનમાંથી વધુ ઊપજ મેળવતા શીખવ્યું છે અને સાથે જ ઓછા ધારાસભ્યો સાથે સરકારની રચના કરતા પણ શીખવ્યું છે એમ ઠાકરેએ જણાવ્યું હતું. ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ‘મને જણાવવામાં આવ્યું હતું કે આ સ્થળે કોઈ વ્યક્તિ એવું કહી ચૂકી છે કે તે પવારની આંગળી પકડીને રાજકારણમાં પ્રવેશી હતી. હું એમ નથી કહેવા માગતો કે પવાર સાહેબે મને રાજકારણમાં લાવીને વધુ એક ભૂલ કરી છે.’

મુખ્ય પ્રધાને ખેડૂતોને સંપૂર્ણ લોનમાફીની ખાતરી આપી
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે રાજ્યના ખેડૂતોને સંપૂર્ણત: લોનમાફી આપવાની ખાતરી આપી હતી. હાલમાં જ લોનમાફી યોજના હેઠળ શિવસેના સરકારે પહેલી એપ્રિલ, ૨૦૧૫થી ૩૧ માર્ચ, ૨૦૧૯ દરમ્યાન ખેડૂતો દ્વારા લેવામાં આવેલી ૨ લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોનને માફ કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ઉપરોક્ત નિવેદન કર્યું હતું. આ યોજના હેઠળ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ સુધીના ટૂંકા ગાળાના પુનર્ગઠન પાક લોનની બાકી રકમ પણ માફ કરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ખેડૂતોને તત્કાળ રાહત માટે અમે ૨ લાખ રૂપિયા સુધીની લોન માફ કરી છે પરંતુ અમે પણ એ સુનિશ્ચિત કરીશું કે તેમની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવે.

mumbai news uddhav thackeray shiv sena pune