ટ્રેનમાં પ્રવાસીઓને નશો કરનાર પદાર્થ ખવડાવીને લૂંટી લેનારા ચોર પકડાયા

24 June, 2019 12:28 PM IST  |  મુંબઈ | સૂરજ ઓઝા

ટ્રેનમાં પ્રવાસીઓને નશો કરનાર પદાર્થ ખવડાવીને લૂંટી લેનારા ચોર પકડાયા

શ્યામસુંદર લાલ, કનૈયા લાલ અને અજુર્ન ગુપ્તા

દિલ્હીથી મુંબઈ-બાંદરા ટર્મિનસ આવતી દિલ્હી સરાઇ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેનના જનરલ કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરતા લોકોને નશીલી દવાઓ ખવડાવી લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો છે. મુંબઈ ગર્વન્મેન્ટ રેલવે પોલીસે ભોગ બનેલા લોકોની ફરિયાદના આધારે ગુનો નોંધી ત્રણ અજાણ ચોરોની શોધખોળ હાથ ધરી છે.

૨૧ જૂને બાંદરા ટર્મિનસ આવેલી દિલ્હી સરાઇ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન ખાલી થયા બાદ પોલીસ દ્વારા ટ્રેનની તપાસ ચાલી રહી હતી. ટ્રેનના જનરલ ડબામાં ત્રણ મુસાફરો બેભાન અવસ્થામાં પડ્યા હતા. પોલીસે તાત્કાલિક ત્રણે મુસાફરોને બાંદરાની ભાભા હૉસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ત્રણે શખ્સો સારવાર હેઠળ છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, દિલ્હી સરાઇ રોહિલ્લા ટ્રેનમાં મુસાફરી કરી રહેલા શ્યામસુંદર લાલ, કનૈયા લાલ અને અજુર્ન ગુપ્તા મુંબઈના નાલાસોપારાના રહિશ છે. ભાનમાં આવ્યા બાદ શ્યામે કહ્યું હતું કે ‘અમે લોકો દિલ્હીથી ટ્રેનમાં બેઠા હતા. અમારી સામેની સીટ પર ત્રણ શખ્સો બેઠા હતા. ત્રણે વ્યક્તિઓ વાતચીત કરવામાં ઘણી ફ્રેન્ડલી હતી. ટૂંક સમયમાં જ અમારી વચ્ચે સારી ઓળખાણ થઈ ગઈ હતી. મુસાફરી લાંબી હતી તેથી અમે જે નાસ્તો સાથે લઈ ગયા હતા એ નાસ્તો અમે એમને આપ્યો હતો. અજમેર સ્ટેશન આવ્યા બાદ એ વ્યક્તિઓએ અમને બિસ્કિટ અને બ્લેકબેરી ખાવા આપ્યા, ત્યાર બાદ અમારી સાથે શું થયું એ મને યાદ નથી.’

૧૬ કલાક સુધી ત્રણે મુસાફરો બેભાન અવસ્થામાં હતા. કનૈયાએ જણાવ્યું હતું કે ‘ત્રણે ચોરોએ ઘણું પૉઝિટિવ વાતાવરણ ઊભું કરી દીધું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ ગોવંડીમાં રહે છે. મને લાગે છે કે ચોરો પણ બાંદરા સ્ટેશન પર જ ઊતર્યા હશે.’

આ પણ વાંચો : આવ રે વરસાદ: 48 કલાકમાં મુંબઈમાં થશે વરસાદનું આગમન

ચોરો સોનાની વીંટી, લૅપટૉપ, મોબાઇલ ફોન અને વૉલેટ જેવી કીમતી વસ્તુઓની ચોરી કરી ફરાર થયા હતા. બાંદરા જીઆરપીના સિનિયર ઇન્સ્પેક્ટર વી. ચૌગુળેએ કહ્યું હતું કે, મુસાફરોની ફરિયાદ નોંધી કેસની તપાસ હાથ ધરી છે.

mumbai crime news Crime News mumbai news suraj ojha